Mysamachar.in:જામનગર
દેવામાં ડૂબેલ માણસને જયારે કોઈ રસ્તો ના સુઝે ત્યારે તે ગમે તે કરવા તૈયાર થઇ જાય, પણ ક્યારેક આવા મુશ્કેલ સમયમાં કેટલાક ઢોંગીઓ અને તેના મળતિયાઓ આવા લોકોની તકનો લાભ લઇ અને તેની પાસેથી પ્રલોભનો આપી અને નાણા ખંખેરવાનો ખેલ કરે છે, જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામે પણ આવી ઘટના એક ખેડૂત સાથે ઘટી છે, જેમાં પોતે ત્રણેક વર્ષથી દેવામાં ડૂબી જતા તેનો સંપર્ક એક બાપુ સાથે થતા બાપુએ ખેડૂતને પોતાની વાતોમાં ફસાવી લઇ અને તાંત્રિક વિધિ 11 લાખના બે કરોડ અને સોનાના ઘડા આપવાની લાલચે 10 લાખ પડાવી લીધા અંગેની ફરિયાદ શેઠવડાળા પોલીસ મથકે જાહેર થઇ છે, જેમાં ફરિયાદી ખેડૂત જીતેન્દ્ર વિઠ્ઠલભાઈ કથીરિયાએ પોલીસ સમક્ષ જાહેર કરેલ વિગતો શબ્દશ: આ પ્રમાણે છે.
મારૂં નામ જીતેન્દ્ર વિઠ્ઠલ કથીરીયા હું ખેતી કામ કરી મારૂ તથા મારા પારીવાર નું ગુજરાન ચલાવુ છું, આશરે છેલ્લા ત્રણેક વર્ષથી ત્રીસેક લાખના કર્જમાં ડુબી ગયેલ હોય અને મહામહેનત કરવા છતા રૂપીયાનો કોઇ લાગ થતો ન હોય અને કોઇપણ સંજોગોમાં મારાથી આ કરજો ભરાઇ તેમ ન હોવાથી આજથી આશરે એકાદ મહિના પહેલા મે આ બાબતે મારા મીત્ર મહેશ તેરૈયાને આ બાબતે જાણ કરતા તેઓએ મને જણાવેલ કે જુનાગઢના મારા એક મીત્ર કેશુભાઇ છે જેમને ત્યાં કાલે એક બાપુ આવવાના છે જે બાપુ તેમને માંગો તેટલા રૂપીયા તાંત્રીક વીધીથી બનાવી આપશે જેથી તમે કહેતા હોય તો આપણે બન્ને જણા જુનાગઢ ખાતે કેશુભાઇને ત્યા જઇ રૂપીયા બનાવવાનો ડેમો જોઇ આવીએ આમ કહેતા મે તેમને જણાવેલ કે આપણે બન્ને જણા કાલેજ જુનાગઢ જઇ આ ડેમો જોઇ આવીએ,
આમ કહેલ જે બાદ બીજા દિવસે હું તથા મારા મીત્ર મહેશ અમે બંન્ને જણા શેઠવડાળાથી જૂનાગઢ ગયેલ જ્યાં કેશુભાઇએ અમને બસ સ્ટેન્ડ પાસે બોલાવેલ અને કેશુભાઇ સાથે એક અજાણ્યા ભાઇ હોય જેની ઓળખાણ કેશુભાઇએ રામભાઇ તરીકે અમને આપેલ અને થોડીવારમાં એક બાપુ ત્યાં આવતા આ કેશુભાઇએ મને તથા મારા મીત્ર મહેશને કહેલ કે આ અમદાવાદના અનવરબાપુ છે, જેઓ કોઈપણ કામ તાંત્રિકવીધીથી કરી આપે છે અને અત્યારે તમને તાંત્રિક વીધીથી રૂપીયા બનાવી આપશે તેમ જણાવેલ બાદ આ અનવરબાપુએ એક ડોલ લઇ તેમાં કોઇ તાંત્રિક વીધી કરી થોડીવારમાં પ્રથમ 20 રૂપીયાની બાદ 500 રૂપીયાની નોટો બનાવી બતાવેલ ત્યારબાદ આ અનવરબાપુએ 20 રૂપીયાની 5-5 નોટો અમને બધાને પ્રસાદી રૂપે આપેલ અને વધુમા જણાવેલ કે આતો તમને મારા પર વિશ્વાસ આવે એટલે આ રીતે મેં પ્રસાદીરૂપે રૂપીયા બનાવી આપેલ છે અને આતો કાઇ નથી…
જો તમે મને કહો તો હું 11 લાખ રૂપીયાની તાંત્રિક વીધી કરી 2 કરોડ રૂપીયા ચપટી વગાડતા બનાવી આપીશ આમ અમને વાત કરતા મને તેના પર સંપુર્ણ વિશ્વાસ અને ભરોસો બેસી ગયેલ અને મે કેશુભાઇના તથા અનવરબાપુ મેળવી લીધેલ અને અમે પરત આવતા રહેલ જે બાદ બે-ત્રણ દિવસ પછી મેં જામનગર મારા દિકરા સૌરવના ઘરે બોલાવતા બે-ત્રણ દિવસમાં આ કેશુભાઇ તથા મહેશભાઇ તથા અનવરબાપુ જામનગર મારા દિકરા સૌરવના ઘરે ઓમપાર્ક સોસાયટીમાં આવતા અમે ત્યાં મીટીગ કરેલ અને આ અનવરબાપુએ મને જણાવેલ કે કલ્યાણપુર ગામે આવેલ તમારા ખેતરમાં સોનાનો ઘડો છુપાયેલો છે જો તમે મારી પાસે 11 લાખવાળી વીધી કરાવશો તો આ સોનાનો ઘડો પણ તમને મળી જશે અને 2 કરોડ રૂપીયા પણ તમને મળી જશે અને કામ થાય ત્યારે જ તમારે મને રૂપીયા ચુકવવાના થશે તેમ જણાવતા હું તેમની વાતમાં આવી ગયેલ અને વીધી કરાવવાની હા પાડી દીધેલ જે બાદ બે-ત્રણ દિવસ પછી આ અનવરબાપુ તથા અજાણ્યા બે-ત્રણ માણસો જામનગર ખાતે મારા દિકરાના ઘરે આવેલ અને ઉપરના રૂમમાં તાંત્રિક વીધી કરી રુમ બંધ કરી રૂમની ચાવી પોતાની પાસે રાખી દીધેલ અને અમારા ઘરના તમામ સભ્યોને જણાવેલ કે તમારૂં કામ થતા 10 દિવસ જેટલો સમય લાગશે.
જેથી આ રૂમ કોઇ ખોલતા નહી હું દસ દિવસ પછી પાછો આવીશ ત્યારે આ રૂમ હું જ ખોલીશ તેમ જણાવી વધુમાં જણાવેલ કે ચાલો હવે તમારા ગામ ખાતે જઇ ત્યા ખેતરમા વીધી કરીશુ એટલે ત્યાંથી સોનાનો ઘડો નીકળશે તે લઇ આવીએ આમ જણાવતા આ અનવરબાપુ તથા તેની સાથેના અન્ય ત્રણ અજાણ્યા માણસો તથા હું અને મારો દિકરો સૌરવ એમ અમે બધા કલ્યાણપુર અમારા ખેતરે આવી આ અનુવરબાપુ ખેતરમા ખાડો ખોદાવી અમારા ઘરેથી સ્ટીલનો હાંડો મંગાવી ખાડામાં મુકાવેલ અને તેના પર કપડું બાંધી તેના પર આ અનવરબાપુએ વીધી કરી આ હાંડો અમને સોપી દીધેલ અને જણાવેલ કે હું જ્યાં સુધીના કહું ત્યા સુધી આ હાડો ખોલતા નહી નહિતર આમાં રહેલ સોનું માટી બની જશે આમ વાત કરતા અમેને તેના પર વિશ્વાસ અને ભરોસો આવેલ જેથી આ ઘડો વાડીએથી લઇ અમારા કલ્યાણપુર ગામે આવેલ અમારા રહેણાક મકાને રાખી દીધેલો,
બાદ અનવર બાપુ તથા તેની સાથે આવેલા અજાણ્યા માણસો અમારા ઘરેથી નીકળી ગયેલ બાદ આ અનવરબાપુએ મને તથા મારા દિકરા સૌરવને ફોન કરી જણાવેલ કે હવે તમે આ મે કરાવેલ તાંત્રિક વીધીના રૂપીયા આપશો તો જ તમારૂ કામ આગળ વધશે નહિ તો તમારું કોઇ કામ થશે નહિ અને તમારા પરીવારનું ધનોત પનોત નીકળી જશે આમ વાત કરતા હું તેમના વિશ્વાસમા આવી ગયેલ અને મારે રૂપીયાની ખુબ જ જરૂરીયાત હોવાથી મેં તથા મારા દિકરા સૌરવએ આર.કે.આંગડીયા પેઢી મારફતે પ્રથમ અમદાવાદ બાદ રાજકોટ અને બે વખત જુનાગઢ ખાતે અનવરભાઈના નામે આશરે 10 લાખ જેટલા રૂપીયા મોકલાવેલ હતા અને આશરે દસેક દીવસ જેટલો સમય વીતતા મેં આ અનવર બાપુ તથા કેશુભાઇને ઘડો ખોલવા બાબતે વાત કરતા.
અનવર બાપુએ મને જણાવેલ કે તમારી વીધીમા હજુ વીઘ્ન આવે છે જેથી અત્યારે ઘડો ખોલતા નહી જેથી અમોએ આશરે પાંચેક દીવસ રાહ જોયેલ અને ત્યારબાદ ફરી વખત આ અનવરબાપુ તથા કેશુભાઇને ફોન કરતા ફોન ઉપાડતા ન હોય અને અવાર – નવાર ફોન કરતા તેઓ ફોન ઉપર તેઓ ગલ્લાતલ્લા કરવા લાગેલ અને અમારો ફોન બ્લેક લીસ્ટમાં નાખી દીધેલ હોય જેથી અમોએ બીજાના મોબાઇલમાંથી ફોન કરતા તેઓ બન્નેના મોબાઇલ ફોન બંધ આવતા હોય જેથી આ અનવરબાપુ તથા તેમની સાથેના અજાણ્યા ત્રણ માણસો તથા કેશુભાઇએ મીલાપીપણું કરી વીશ્વાસઘાત અને છેતરપીંડી કર્યા સબબની ફરિયાદ જાહેર થઇ છે.
આ ફરિયાદ તમામ લોકો માટે એ સબક છે જે ઝડપથી અજાણ્યા ઈસમોની વાતોમાં ભોળવાઈ અને આ રીતે રૂપિયા આપી અને વધુ મુસીબતમાં મુકાઈ જાય છે, કોઈપણ અંધશ્રદ્ધા કે કોઈના વિશ્વાસમાં આવતા પૂર્વે તેની ચોક્કસથી તમામ ખરાઈ કરવી જોઈએ નહિતર આવા લેભાગુઓ તમને શીશામાં ઉતારી અને તમારી પાસે જે હશે તે પડાવી લેશે અને તમારી મુસીબતનો પાર નહિ રહે.