Mysamachar.in-અમદાવાદ:
સામાન્ય રીતે અકસ્માત સહિત કોઈ પણ ગુનો બનતો હોય છે ત્યારે સંબંધિત પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા બનાવના સ્થળ પર જેતે બનાવનું પંચનામું કરવાનું હોય છે. સૌ જાણે છે તેમ આ પંચનામા યોગ્ય રીતે અથવા યોગ્ય સમયે થતાં હોતાં નથી અથવા તેમાં કેટલીક ગેરરીતિઓ પણ રાખી દેવામાં આવતી હોય છે, ઘણાં બધાં કેસમાં પંચનામાના સાક્ષીઓ અદાલતમાં નિવેદન બદલાવી પણ નાંખતા હોય છે અને ઘણાં કેસમાં તો પંચ સાવ ફરી પણ જતાં હોય છે. આ બધી બાબતો ટાળવા સરકારે ઈ-પંચનામાની વ્યવસ્થા દાખલ તો કરી છે પણ આ નવી વ્યવસ્થા હાલ સફળ નથી, અમલ લઘરવઘર થઈ રહ્યો છે.
આ નવી પદ્ધતિમાં વ્યવસ્થા એ કરવામાં આવી છે કે, રાજ્યભરના તમામ પોલીસ સ્ટેશનમાં જેમને ગુનાની તપાસ કરવાની સતાઓ છે તે તમામ પોલીસ અમલદારોના મોબાઈલમાં ઈ-સાક્ષય એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી છે. આ એપ્લિકેશનના માધ્યમથી અમલદાર ગુનાના સ્થળે જે પંચનામું તૈયાર કરે તે પંચનામાની તમામ વિગતો એ જ સમયે સંબંધિત અદાલતને મળી જાય. આથી પોલીસ અને અદાલત વચ્ચેનું સંકલન વધારી શકાય.
આ એપ્લિકેશનમાં તપાસનીશ કર્મચારી કે અધિકારીએ સાક્ષી, પંચનામું, જડતી સહિતની જે કાર્યવાહીઓ કરી હોય તેની વીડિયોગ્રાફી પોતાના મોબાઈલથી કરવાની હોય છે. અને, સ્થળ પરથી લાઈવ આ કાર્યવાહીઓ અદાલતને મોકલી આપવાની હોય છે. તપાસનીશ કર્મચારીએ પોતાની સેલ્ફી, ફરિયાદીનો ફોટો, 2 પંચના ફોટોગ્રાફ, નામ-સરનામા સહિતની વિગતો એપ્લિકેશનમાં અપલોડ કરવાની હોય છે.

આ વ્યવસ્થા આમ તો સરકારે ગત્ જૂલાઈથી ફરજિયાત કરી છે. પરંતુ મોટાભાગના પોલીસ સ્ટેશનના સંબંધિત કર્મચારીઓ આ પદ્ધતિનો ઉપયોગ કરતાં નથી. મતલબ, આ નવી વ્યવસ્થાનો અમલ લઘરવઘર થઈ રહ્યો છે. જે જગ્યાએ ગુનો બન્યો હોય તે સ્થળની વીડિયોગ્રાફી પણ આ એપ્લિકેશનમાં અપલોડ કરવાની હોય છે.
આ બધી જ પ્રોસેસ એપ્લિકેશન મારફતે સંપન્ન થઈ જાય એટલે તે એપ્લિકેશન મારફતે જ ઈ-પંચનામું થયાનું પ્રમાણપત્ર પણ તે કર્મચારીને ઓનલાઈન મળી જાય. આ આધુનિક અને નવી પદ્ધતિમાં ઘણી બધી ખામીઓ છે, એમ પોલીસ કહે છે. પોલીસે આ ઈ-પંચનામાની 3 CD અથવા 3 પેનડ્રાઇવ તૈયાર કરવાની હોય છે. પંચનામું કર્યાની 48 કલાકમાં આ CD અથવા પેનડ્રાઇવ પંચની રૂબરૂમાં સીલ કરી, નજીકની અદાલતને પહોંચાડવાનું હોય છે.
હાલમાં તકલીફ એ છે કે, અદાલતમાં જુદાં જુદાં કેસમાં 60 કે 90 દિવસમાં ચાર્જશીટ રજૂ થાય છે ત્યારે, અદાલત આ CD અથવા પેનડ્રાઇવ માંગે છે. ઘણાં બધાં કિસ્સામાં વીડિયોગ્રાફી કે ફોટોગ્રાફસ રજૂ ન થતાં હોય, અદાલત પોલીસે રજૂ કરેલું ચાર્જશીટ ગ્રાહ્ય રાખવા ઈન્કાર કરે છે. પોલીસ એમ પણ કહે છે, આ આધુનિક કામગીરીઓ માટે પોલીસને કોઈ જ તાલીમ આપવામાં આવી નથી. પોલીસને આ માટે સરકાર તરફથી CD કે પેનડ્રાઇવ આપવામાં આવતાં નથી.
આ ઉપરાંત એક સમસ્યા એ પણ છે કે, હાલમાં પોલીસે પોતાની રોજિંદી કામગીરીઓ સાથેસાથે આ નવી પદ્ધતિથી ઈ-પંચનામા કરવાના હોય છે, જેથી ફોટોગ્રાફસ તથા વીડિયોગ્રાફી અને સિલિંગ કામગીરીઓ થઈ શકતી નથી. ટૂંકમાં, જૂલાઈથી ફરજિયાત થયેલી આ કામગીરીઓ આજની તારીખે પાટે ચડી નથી. આ એપ્લિકેશન સતત અપડેટેડ થાય છે. તેમાં સતત અપલોડ કરવું પડે. પોલીસ એમ પણ કહે છે, આમાં અગાઉના ડેટા ગૂમ થઈ જાય છે.
આ નવી એપ્લિકેશન અંગે કોઈ સમસ્યાઓ હોય, એપ્લિકેશનનો ઉપયોગ કેમ કરવો તેની સમજ આપવી, મોબાઈલ નેટવર્કનો અભાવ વગેરે બાબતોને કારણે પોલીસ આ નવી એપ્લિકેશનને હાલ માથાનો દુ:ખાવો સમજી રહી છે. જેથી સારી પદ્ધતિ છતાં આ બાબતનો અમલ શક્ય બની શક્યો નથી.
આ ઉપરાંત નાગરિકો હાલ ઓનલાઈન FIR નોંધાવી શકે એવી પણ વ્યવસ્થાઓ છે. પરંતુ તેમાં પણ ઘણી સમસ્યાઓ છે. દાખલા તરીકે, પાછલાં 3 મહિનાની આ કામગીરીઓની સમીક્ષા કરવામાં આવે છે ત્યારે સમીક્ષાઓ કરનારના ઘણાં બધાં પ્રશ્નોના જવાબો, વિગતવાર ડેટા યોગ્ય રીતે ઉપલબ્ધ ન હોવાની ફરિયાદો વગેરે પણ પોલીસતંત્રમાં જોવા મળી રહી છે. ઈ-પંચનામાની પદ્ધતિ પણ સારી છે, એમ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કહે છે, તેઓ કહે છે: આ પદ્ધતિમાં જે ઈ-પુરાવા રેકર્ડ પર આવી જાય છે તેના ઉપયોગથી વિવિધ ગુનાઓમાં સજાનો દર વધારી શકાશે. પરંતુ એ પહેલાં આ નવી પદ્ધતિના અમલમાં જે ખામીઓ ઉજાગર થઈ રહી છે તેને દુરસ્ત કરવી પડે.
