Mysamachar.in:અમદાવાદ
જામનગર સહિત રાજ્યભરમાં ગત્ ગુરવારથી શનિવાર સુધી નોંધપાત્ર પ્રમાણમાં લોકોએ ઠંડી અનુભવી. કચ્છનાં નલિયા સહિતના વિસ્તારોમાં તો ઠંડીએ ઘણી તિવ્રતાનો અનુભવ કરાવ્યો. ઉત્તર અને પશ્ચિમ દિશામાંથી ફૂંકાયેલા પવનો અને દરમિયાન ઉત્તર ભારતમાં ચાલુ રહેલી બરફવર્ષાને કારણે સમગ્ર રાજ્યમાં સૌને શીતલહરનો અહેસાસ થયો. જો કે ત્યારબાદ રવિવારે સવારથી ઠંડીનું પ્રમાણ ઓછું રહ્યું.સમગ્ર રાજ્યની સાથે જામનગરમાં પણ કાલે રવિવારે સવારથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનનો પારો ઉંચકાયો, પવન ફૂંકાતો બંધ થયો અને ભેજનું પ્રમાણ પણ વધતાં સૂકાં અને ઠંડા પવનની ગેરહાજરીમાં લોકોએ રાહત અનુભવી.
જામનગરમાં લઘુત્તમ તાપમાનનો પારો 12-13 ની આસપાસ રહેતો હતો તે વધીને 16 ડિગ્રી પહોંચ્યો. અને, એ જ રીતે મહત્તમ તાપમાનનો પારો જે 23-25 રહેતો હતો તે વધીને 28-29 આસપાસ પહોંચતા ઠંડીમાં રાહતનુ પ્રમાણ દર્શાવે છે. રવિવારે ભેજનું પ્રમાણ પણ વધ્યું. બીજી બાજુ ઉત્તર તરફથી ગુજરાતમાં ફૂંકાતા પવન પણ ઓસરી જતાં, જામનગર સહિત રાજ્યભરમાં સૌ કોઈ આકરી ઠંડીથી રાહત અનુભવી રહ્યા છે. જામનગરમાં કાલે રાત્રે સખત ભેજ અનુભવાયો. આંકડા મુજબ, વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 84 ટકા થવા પામ્યું છે. જો કે હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે, બેત્રણ દિવસની રાહત પછી આગામી દિવસોમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવવાની સંભાવનાઓ જોવા મળી રહી છે.