Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગર સેવા સદનમાં વધુ એક વખત ધુમ્મસ છવાયું છે, ક્યાંય કશું સ્પષ્ટ દેખાઈ રહ્યું નથી. કચરા કમઠાણ બાબતે વિપક્ષનો આક્ષેપ જલદ છે, તો બીજી તરફ શાસકપક્ષ પોતે ચોખ્ખો હોવાનો પડકારો કરી રહ્યો છે. ત્રિકોણના ત્રીજા ખૂણા સમાન નગરજનોને આશંકાઓ એ છે કે, જો આગ નથી તો, આટલો ધૂમાડો શાને ?! નગરજનો એમ પણ ઈચ્છે છે કે, કચરાકથાની બધી જ બાબતો જાહેરમાં વંચાય કારણ કે, આ આખા મામલામાં કોર્પોરેશન જેટલાં પણ કરોડનો ખર્ચ કરશે એ એક એક રૂપિયો નગરજનોની કમાણીનો રૂપિયો છે.
કરદાતા નગરજનો કચરાકથા સંબંધે બધું જ જાણવા ઈચ્છે છે. આથી આજે અહીં શાસકપક્ષ વતી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતાઓ Mysamachar.in ના વાચકોની જાણ માટે મૂકવામાં આવી છે.
સ્ટેન્ડિંગ ચેરમેન નિલેષ કગથરાએ કચરાના કોન્ટ્રાક્ટનો મામલો હાલ પેન્ડિંગ રહેવા બાબતે જણાવ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી કોઈ પણ મોટો નિર્ણય લેતાં પહેલાં સંકલન કરે છે. નિર્ણય લેવાની પ્રક્રિયામાં પારદર્શિતા જાળવે છે. કચરાના કોન્ટ્રાક્ટ સંબંધે થોડા દિવસ અગાઉ યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કમિટીના સભ્યોએ કેટલાંક વાંધાસૂચન રજૂ કર્યા હતાં. આથી આ તમામ કવેરીના સંતોષકારક જવાબો અધિકારીઓ પાસેથી મેળવવામાં આવી રહ્યા છે. કવેરીના બધાં જ જવાબો સંતોષકારક માલૂમ પડશે ત્યારબાદ જ આ કામને લીલીઝંડી આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, વિપક્ષ કચરાના આ કોન્ટ્રાક્ટ સંબંધે શું આક્ષેપ કરે છે, તે ચેરમેનની જાણમાં નથી. ચેરમેન કહે છે, આ કામની બધી જ વિગતો સમજવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને તે દરમ્યાન ઉઠેલાં પ્રશ્નોના જવાબો મેળવવાની પ્રોસેસ હાથ ધરવામાં આવી છે. ચેરમેનના કથન પરથી એવું દેખાઈ રહ્યું છે કે, કચરાના આ કામ માટેની દરખાસ્ત( ટેન્ડરની બાબતો વગેરે) ‘સરળ’ નથી, અથવા આ દરખાસ્તમાં કંઈક ‘ગોળગોળ’ હોય શકે છે, વિપક્ષનો વિરોધ આ બાબત પ્રત્યે ઈશારો કરે છે ?!
જો કે ચેરમેને એવી પણ સ્પષ્ટતાઓ કરી છે કે, રાજ્યની અમદાવાદ અને રાજકોટ સહિતની અન્ય મહાનગરપાલિકાઓ કરતાં પણ વધુ સારી અને વાજબી રીતે, જામનગર મહાનગરપાલિકા કચરાના કોન્ટ્રાક્ટ બાબતે આગળ વધી રહી છે. દરેક પાસાનો અભ્યાસ કરવામાં આવ્યો છે. જો કે જાણકારો એવી ચર્ચાઓ કરે છે ક્યાંક કઈક કાચું કપાયું છે તેથી જ પારોઠના પગલા ભરવાનો વારો આવ્યો છે.
-કચરાકથા દર વખતે, શા માટે વિવાદો સર્જી રહી છે ?!…
ટૂંકમાં, સૌ જાણે છે કે, મહાનગરપાલિકામાં કચરાકથા અંગે ઘણું બધું હંમેશા ગવાતું છવાતું રહ્યું છે. આ વખતે પણ કોન્ટ્રાક્ટર પાર્ટીઓને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવે એ પહેલાં મહાનગર સેવાસદનમાં અને શહેરમાં ગાજવીજ શરૂ થઈ છે. આગામી સમયમાં આ મામલો વધુ કડાકાભડાકા સર્જનારો બનશે કે, બધું થાળે પાડી દેવામાં આવશે ? એ પ્રશ્નનો ઉત્તર સમય આપશે. પરંતુ કરદાતા નગરજનોને દર વિવાદ વખતે પ્રશ્ન એ થાય છે કે, કોર્પોરેશનમાં કચરાની કથા અવારનવાર વિવાદો શા માટે સર્જી રહી છે ? કોર્પોરેશન કોન્ટ્રાક્ટર પાસે યોગ્ય કામગીરીઓ કરાવી શકતું નથી ? કોન્ટ્રાક્ટરને કામના બદલામાં વધુ નાણાં અપાઈ રહ્યા છે ? મામલો છે શું ?!
