Mysamachar.in:અમદાવાદ
ગુજરાતમાં ગટરોનાં મેનહોલ સાફ કરતી વેળાએ જે કિસ્સાઓમાં સફાઈ કામદારોનાં મોત થયા છે, તે કિસ્સાઓમાં જવાબદાર નોડલ અધિકારીઓ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવે, એવી માંગણી સાથેની એક પિટિશન હાઈકોર્ટમાં દાખલ થતાં હાઈકોર્ટે સરકારને નોટિસ મોકલાવી છે. મુખ્ય કાર્યકારી ન્યાયમૂર્તિ એજે દેસાઈ અને ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવની ખંડપીઠે આ નોટિસનો જવાબ પહેલી મે સુધીમાં સરકાર પાસેથી મંગાવ્યો છે. આ મામલે 2016માં હાઈકોર્ટમાં જાહેર હિતની એક અરજી દાખલ થઈ હતી. જેનાં ટેકામાં અમદાવાદની માનવ ગરિમા નામની એક સ્વૈચ્છિક સંસ્થાએ આ પિટિશન દાખલ કરી છે. રાજકોટમાં ગત્ 21મી માર્ચે બે સફાઈ કામદારો ગટર સાફ કરતી વેળાએ મોતને ભેટયા હતાં. જે અનુસંધાને ફરીથી આ મામલો વડી અદાલતમાં પહોંચ્યો છે.
આ પિટિશનમાં કહેવાયું છે કે, આ બંને મૃતક કામદારોનાં પરિવારજનોને રૂ.10-10 લાખનું વળતર આપવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાછલાં 21 વર્ષમાં આ રીતે ગટરો સાફ કરતી વેળાએ કુલ 152 સફાઈ કામદારો મૃત્યુ પામ્યા છે જે પૈકી 26 પરિવારોને આજની તારીખે પણ વળતર આપવામાં આવ્યું નથી.
-2019ની સાલમાં ગુજરાત સરકારે એક પરિપત્ર બહાર પાડીને….
પાલિકાઓ અને મહાનગરપાલિકાઓને સ્પષ્ટ સૂચના આપી છે કે, કોઈ પણ સ્થળે ગટર સાફ કરવા સફાઈ કામદારને ગટરમાં ઉતારવામાં ન આવે. અને, જો આવાં કિસ્સાઓમાં કાંઈ અજુગતું બનશે તો સંબંધિત નોડલ ઓફિસર વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
-આ પિટિશનમાં એમ પણ કહેવાયું છે કે,
આ મુદ્દે 2016માં જાહેર હિતની અરજી દાખલ થયાં પછી અત્યાર સુધીમાં વધુ 16 સફાઈ કામદારો આ રીતે મૃત્યુ પામ્યા છે જેઓના વારસદારોને આજની તારીખે વળતર આપવામાં આવ્યું નથી ! 2013માં આ કાયદો અમલમાં આવ્યા પછી, આ પ્રકારના કુલ 45 બનાવમાં કુલ 95 સફાઈ કામદારો મૃત્યુ પામ્યા છે. 2021ની સાલમાં સરકારે GR મારફતે દરેક મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ઈમરજન્સી રિસ્પોન્સ સેનીટેશન યુનિટ બનાવવા આદેશ આપ્યો હતો. આ યુનિટ એ વાત નિશ્ચિત કરે કે, કોઈ પણ શહેરમાં આ પ્રકારનો બનાવ ન બને અને દરેક શહેરમાં યાંત્રિક રીતે જ ગટરનાં મેનહોલ સાફ કરવામાં આવે. દુઃખની વાત એ છે કે, જામનગર સહિત રાજ્યભરમાં એક પણ કોર્પોરેશનમાં કે નગરપાલિકાઓમાં આ પ્રકારના યુનિટની આજની તારીખે રચના કરવામાં આવી નથી !