Mysamachar.in-જામનગર:
થોડા થોડા સમયે ગુજરાત સરકાર પોતાના અધિકારીઓને સૂફિયાણી સલાહ આપતી હોય છે કે, લોકોના કામોમાં વિલંબ ટાળો. ભ્રષ્ટાચાર પર સર્વેલન્સ રાખો. નાગરિકોને કયાંય, કોઈ તકલીફ ન પડે જૂઓ. સરકારી યોજનાઓ વધુને વધુ લાભાર્થીઓ સુધી પહોંચાડો. વિકાસની ગાડી પૂરપાટ દોડવી જોઈએ. અને, આ પ્રકારની બાબતો માટે મોટા ઉપાડે દર વર્ષે, રાજ્યના જુદાજુદા વિસ્તારોમાં ચિંતન શિબિરનું આયોજન થતું રહે છે. કોર્પોરેટ જગતની સ્ટાઇલથી બેઠકો થતી રહે. નિષ્ણાંતો ભાષણો ઝાળે….પરંતુ સરવાળે મોટું મીંડુ…..
દાખલા તરીકે જામનગર જિલ્લામથકની જ વાત. મોટાભાગના સરકારી વિભાગોમાં સોમથી શુક્રવારના કામના દિવસોમાં મિટિંગો ચાલતી રહે છે. મિટિંગમાં બેઠેલાં અથવા અન્ય કોઈ જગ્યાઓ પર ‘કામ’ ઉતારતા અધિકારીઓ સંબંધિતોના ફોન પણ રિસિવ કરતાં હોતાં નથી, રજૂઆત કરનારાઓની રજૂઆત સાંભળવા કચેરીઓમાં હોતાં નથી. વિશાળ AC ઓફિસો પટ્ટાવાળાઓને હવાલે હોય છે. સાહેબો કયાંક અન્ય જગ્યાઓ પર વ્યસ્ત હોય ! વ્યસ્તતાનું પરિણામ શૂન્ય.

અધિકારીઓને કામ કે સમાચાર સંબંધિત ફોન જાય ત્યારે, અધિકારીઓના ટેક્સ્ટ મેસેજ છૂટે, I will call you later અથવા I will call you back….અથવા સાહેબોના ફોન વ્યસ્ત હોય અથવા સાહેબો ફોન કરનારને કહે: Text Me. બાબુઓના આ પ્રકારના વર્તનથી પ્રશ્નો એ ઉભા થઈ રહ્યા છે કે, આ બધાં બાબુઓ નોકરીઓના સમયે આખો દિવસ કરતાં શું હોય છે ?! એક પણ સરકારી વિભાગ દોડતો હોય, એવું તો કયાંય દેખાતું નથી ! એટલે તો મુખ્યમંત્રી તથા મંત્રીઓથી માંડીને કલેક્ટર સુધીના સૌએ, બધાં જ અધિકારીઓને દરેક બેઠકમાં ઝડપી કામ કરવા સૂચનાઓ આપવી પડે છે, કામોની સમીક્ષાઓ કરવા કહેવું પડે છે.
દરેક બેઠકમાં એકસરખી વારતાઓ થતી રહે છે. કામોના વિલંબ ટળતાં નથી અને સરકાર વળી અધિકારીઓ અને કર્મચારીઓની ડિજિટલ એટેન્ડન્સ એટલે કે કચેરીઓમાં ‘હાજરી’ પૂરવાની વાતો કરતી રહે છે. અધિકારીઓ અને કર્મચારીઓના પેટમાં પાપ હોવાથી ‘હાજરી’ વાતનો પણ વિરોધ કરે છે. સરકારનો આ સંઘ કયારેય, કાશી પહોંચશે ખરો ?!…
