ભણવાનું ટેન્શન છાત્ર કે છાત્રાનો જિવ લઈ લ્યે- એવું પણ બનતું હશે ?! આ પ્રકારના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો માબાપ કે શિક્ષકો પાસેથી માર્ગદર્શન નહીં મેળવતા હોય ?! શા માટે તેઓ મૂંઝવણ અનુભવતા હોય છે ? શા માટે તેઓ જિંદગી ટૂંકાવી લેવાનો કમનસીબ નિર્ણય લેતાં હોય છે અને આ પ્રકારના પરિવારો પર આવા સમયે કેવી વીતતી હશે ? વગેરે સવાલો જામનગર શહેરમાં વધુ એક વખત સપાટી પર આવ્યા છે. કારણ કે, ધોરણ બારની એક છાત્રાએ ગળાટૂંપો ખાઈ લીધો !
આ બનાવની પોલીસમાં જાહેર થયેલી વિગતો આ મુજબ છે: જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે સોમવારે રાત્રે, એક જાણકારી આપવામાં આવી. શહેરના રણજિતસાગર રોડ પર મયૂરબાગમાં રહેતાં વેપારી અલ્પેશ રમેશભાઈ ચોવટીયાએ પોલીસમાં જાહેર કર્યું કે, સોમવારે બપોરે અથવા સાંજે એમની 17 વર્ષની દીકરીએ ગળાફાંસો લગાવી જિંદગી ટૂંકાવી લીધી છે. આ દીકરીનું નામ પ્રણીલી ઉર્ફે પરિ હતું. તેણી ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી અને ભણવાનું ખૂબ ટેન્શન અનુભવતી હતી એમ આ દીકરીના પિતાએ પોલીસમાં જાહેર કર્યું છે. આ કરૂણ બનાવને કારણે ચોવટીયા પરિવાર અને મયૂરબાગ વિસ્તારમાં શોક પથરાઈ ગયો છે.