Mysamachar.in-અમદાવાદ:
ફળોનો રાજા એટલે કેરી…જેવી શિયાળાની ઋતુ જાય એવી જ લોકો કેરી આવવાની રાહ જોવા લાગે છે. અને તેમાય ગુજરાતની જૂનાગઢની કેસર કેરી મળી જાય તો વાત જ શું પૂછવી…કેરી એક એવું ફળ છે જે મોટાભાગના લોકોનું પસંદગી નું ફળ છે, ફળોનો રાજા ગણાતી કેરી સ્વાદમાં ખૂબ મીઠી લાગે છે. જેવી રીતે પાકી કેરીના ઘણાં ફાયદા છે તેવી જ રીતે તેની ગોટલી પણ એટલી જ ફાયદાકારક હોય છે. કેરી જેટલી વધારે ગળી હોય તેની ગોટલીમાંથી ફાયદો તેટલો જ વધુ મળે છે. ગોટલીના ફાયદા વિષે વાતચીત કરતા તજજ્ઞો જણાવે છે કે ગોટલી હાઇ બ્લ્ડપ્રેશર અને હૃદયની સાથે સાથે કોલેસ્ટ્રોલની પણ કંટ્રોલ કરે છે. ગોટલી બ્લડ સર્ક્યુલેશને વ્યવસ્થિત કરીને શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને બરાબર કરવામાં મદદ કરે છે.
જો વારંવાર થતાં ડાયેરિયાથી પરેશાન થતા હોવ તો કેરીની ગોટલી અને ખાંડને સરખી માત્રામાં વાટી લો અને દિવસમાં 2 ચમચી 3 વખત લેવાથી ડાયેરિયાની સમસ્યા દૂર થઇ જશે.કેરીની ગોટલીને યોગ્ય પ્રમાણમાં ખાવાથી હાઈ બ્લડપ્રેશરની બીમારીમાં રાહત થાય છે અને આ સાથે જ હૃદયને લગતી બિમારીઓને પણ મટાડી શકાય છે. સ્થૂળતાથી તમામ લોકો પરેશાન હોય છે, સ્થૂળતા ઘટાડવા માટે પણ કેરીની ગોટલીનો ઉપયોગ કરવો ફાયદાકારક સાબિત થાય છે. તો કેટલાક પરિવારો અને મુખવાસ વિક્રેતાઓ કેરીની ગોટલીને સુકવીને તેમાંથી સ્વાદિષ્ટ મુખવાસ પણ બનાવી ને આરોગે છે, આમ કેરીની સાથે સાથે અંદરથી નીકળતી ગોટલીના પણ એટલા જ ફાયદાઓ જાણકારો વર્ણવે છે.