Mysamachar.in-અમદાવાદ:
બેંક એટલે ભરોસો.અને, સરકારી બેંક એટલે મજબૂત ભરોસો. એમ કહેવામાં આવે છે અને બેંક લોકર એટલે ચિંતાઓ બેંકને સોંપી, લોકરનું ભાડું ભરી નિરાંતે સૂઈ જવાની વાત, એમ પણ માનવામાં આવે છે પરંતુ સ્ટેટ બેન્કનો આ કિસ્સો જરા હટ કે છે, જેમાં બેંકને આદેશ થયો છે કે- આ લોકરધારક દંપતિને વળતર આપો.
મામલો અમદાવાદનો છે. જાણવા જેવો છે. કારણ કે, મામલો છેક દિલ્હી સુધી ગ્રાહક ફોરમમાં લડાયો અને પછી, બેંક ગ્રાહકને વળતર આપવાની વાત ફાઈનલ થઈ. જો કે ગ્રાહક ફોરમે કરેલી કોમેન્ટ પણ જાણવાલાયક છે. અમદાવાદમાં એક દંપતિ સ્ટેટ બેન્કમાં લોકર ધરાવે છે. આ દંપતિને બેંક ફોન કરે છે અને કહે છે, તમારાં લોકરમાં કાંઈક ગરબડ છે. તાકીદે બેંક પર આવો. આથી હકીકત જાણવા આ દંપતિ બેંક પર પહોંચે છે. ત્યાં જોવા મળે છે કે, લોકર પર કાગળનું સીલ છે. મેનેજરે કાગળનું સીલ ખોલી આ દંપતિને કહ્યું લોકર ખોલો. પરંતુ લોકર લોક ન હતું. ખૂલું હતું. અને, લોકરમાંથી દંપતિના દાગીનાઓ ગાયબ. દંપતિએ બેંકમાં લેખિત ફરિયાદ દાખલ કરી. બાદમાં કેસ ચાલ્યો હતો. અને, કેસમાં એવો આદેશ થયો કે, લોકરધારક દંપતિને રૂ. 23.85 લાખ વળતર આઠ ટકા વ્યાજ સાથે આપવામાં આવે.
આ મામલામાં રાજ્યની ગ્રાહક ફોરમે કરેલાં આ આદેશને બેંક દ્વારા નેશનલ ફોરમમાં પડકાર આપવામાં આવ્યો. નેશનલ ફોરમે વળતરના આ આદેશને હળવો કરી, લોકરધારકને રૂ. 10 લાખ વળતર આપવા જણાવ્યું. આ કેસમાં બહાર આવ્યું છે કે, બેંકે લોકરધારકને અગાઉ એવું પ્રમાણપત્ર પણ આપેલું કે, તમારૂં લોકર બેંકના લોકર ઈન્ચાર્જ દ્વારા ચકાસવામાં આવ્યું છે. દિવસ દરમિયાન ઓપરેટ કરવામાં આવેલું લોકર બરાબર બંધ કરવામાં આવેલું છે.
આ દંપતિનો પુત્ર કેનેડા રહે છે અને પુત્રને મળવા જતાં પહેલાં આ દંપતિ બેંક લોકરમાં દાગીનાઓ મૂકી આવ્યું હતું. પરંતુ કેસ ચાલવા પર આવતાં એવું જાહેર થયું કે, બેંક લોકરધારકના લોકરની પૂરતી કાળજી લેવામાં અને લોકરમાં રહેલી વસ્તુઓની સલામતી રાખવામાં નિષ્ફળ રહી છે. પરિણામે લોકરમાં રહેલી ચીજો ગુમાવવાની સ્થિતિ ઉભી થઈ. આથી જવાબદાર બેંક લોકરધારકને વળતર ચૂકવે.
આ કેસમાં એમ પણ જાહેર થયું કે, લોકરધારક દ્વારા રજૂ થયેલાં પુરાવાઓના આધારે, લોકરમાં પડેલી વસ્તુઓનું મૂલ્યાંકન સ્થાનિક અદાલતે કરવું જોઈએ. આ મૂલ્યાંકન રાજ્યની ગ્રાહક ફોરમ કરી શકે નહીં. આમ આ કિસ્સામાં વળતરની રકમ નેશનલ ફોરમે ઘટાડી આપી છે પરંતુ બેંકની બેકાળજી રેકર્ડ પર આવી હોય, વળતર ચૂકવવા ફોરમે આદેશ કર્યો છે. આ કિસ્સાએ અમદાવાદ સહિત રાજ્યના બેન્કિંગ ક્ષેત્રમાં સારી એવી ચર્ચાઓ જગાવી છે.
(પ્રતિકાત્મક તસ્વીર સૌજન્ય ગુગલ)