Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાને સ્વચ્છતાની વાતો કરવામાં બહુ જ આનંદ આવે છે પરંતુ કમનસીબી અને હકીકત એ છે કે, મહાનગરપાલિકાનો ખુદનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દાયકાઓથી ‘ગંદો’ છે, ખરેખર તો અહીં દાખલારૂપ ‘સફાઈ’ની આવશ્યકતા છે. અનેક વિવાદો અને કાયમી મેલી મથરાવટી છતાં, આ વિભાગ ‘સલામત’ છે, એ ખુદ મોટું અચરજ છે. જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ભયાનક ગંદકી, કોઈના પણ માટે નવી વાત નથી, આમ છતાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનો કાન ખેંચવામાં આવતો નથી, જેને કારણે સૌ સંબંધિતો આપોઆપ શંકાના દાયરામાં આવી જાય છે.
એક ઉદાહરણ: જામનગર શહેરના મહાપ્રભુજી બેઠક વિસ્તાર નજીક કોર્પોરેશન સંચાલિત એક આંગણવાડી આવેલી છે. જેમાં વાલીઓ પોતાના વ્હાલસોયા એવા પચાસેક જેટલાં સંતાનોને દરરોજ મોકલે છે. આ આંગણવાડીથી તદ્દન નજીક નર્ક જેવી ભયાનક ગંદકી મહાનગરપાલિકાના પાપે જોવા મળી રહી છે. ગંદકી ઘણાં કિસ્સાઓમાં કામચોરી અથવા બેદરકારીઓ હોય છે. અથવા, હોતી હૈ ચલતી હૈ હોય છે. પરંતુ આંગણવાડી નજીકની ગંદકી કોઈ પણ સંજોગોમાં માફીને પાત્ર નથી. આ એક અપરાધ છે. ફૂલ જેવા ભૂલકાં સાથેનો અપરાધ.
આ આંગણવાડી નજીકની ભયાનક ગંદકી આજકાલની નથી. સ્થાનિક લોકો કહે છે: પાંચ સાત દસ વર્ષથી આ વિસ્તાર ઉપેક્ષિત છે. અનેક વખત રજૂઆત છતાં કોઈ ધ્યાન આપતું નથી. મહત્વપૂર્ણ વાત એ પણ છે કે, રજૂઆત કરવી જ શા માટે પડે ? જવાબદારો સૌ પ્રજ્ઞાચક્ષુ છે ? આ આંગણવાડીના મહિલા સંચાલિકા કહે છે, આ ગંદકી મુદ્દે મહાનગરપાલિકામાં વારંવાર જાણ કરવામાં આવી હોવા છતાં પરિસ્થિતિમાં કોઈ જ સુધારો આવ્યો નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનો હવાલો સંભાળતા અધિકારીઓ તંત્ર પાસે કામ કરાવી શકતા નથી અથવા તંત્રને થાબડભાણાં કરે છે અથવા પોતાની ચેમ્બર બહાર નીકળતા નથી અથવા તેઓ એમ માને છે કે, આપણને પૂછવાવાળું કોઈ નથી. અથવા આ અધિકારીઓ ચોક્કસ પદ્ધતિઓ દ્વારા માત્ર કામ ઉતારી લેવામાં જ માને છે, કામ કરવાની એમને દિલચસ્પી નથી. આ અધિકારીઓ પર કોઈનું નિયંત્રણ નથી ?! અત્રે એ પણ નોંધનીય છે કે, આ વિભાગ હસ્તક જે ઢોર ડબ્બા ચાલે છે, એ ભયાનક ગંદકી અને અયોગ્ય સંચાલન પણ હંમેશા વિવાદનો મુદ્દો રહ્યો છે. વારેતહેવારે રાત્રિ સફાઈના નાટકો અને ફોટોસેશન કરતી તથા સ્વચ્છતા માટે કરોડોના સાધનો અને મશીનરી ખરીદતી મહાનગરપાલિકાને સ્વચ્છતામાં રસ છે કે કેમ, એ પણ મોટો સવાલ છે.