Mysamachar.in-જામનગર:
જામનગરમાં મહાનગરપાલિકાએ કરદાતા નગરજનોની હાલત કેવી બનાવી દીધી છે, તેનો એક જિવતો જાગતો પુરાવો એટલે વોર્ડ નંબર 11ના કોર્પોરેટર (પૂર્વ ડેપ્યુટી મેયર)એ કમિશનરને લખેલો આ વ્યથાપત્ર.
વોર્ડ નંબર 11 ના કોર્પોરેટર તપન પરમારે કમિશનરને એક પત્ર લખ્યો. આ પત્રમાં જણાવાયું છે કે, વોર્ડ નંબર 11ના અલગ-અલગ વિસ્તારોના રહેવાસીઓએ ભૂગર્ભ ગટર તથા પાણીની પાઈપલાઈનના તેમજ રોડ રસ્તાઓના પેચવર્કના કામો અંગે અનેકવખત અધિકારીઓને મૌખિક તથા લેખિત રજૂઆતો કરી છે. આ અંગે ખુદ કોર્પોરેટર દ્વારા પણ અધિકારીઓને અનેક વખત મૌખિક અને લેખિત જાણ કરવામાં આવી છે. આમ છતાં અધિકારીઓ આ કામો બાબતે ધ્યાન આપતાં નથી. આથી કમિશનરને આ પત્રમાં એવી વિનંતી કરવામાં આવી છે કે, લગત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી આગળ દર્શાવેલા તમામ પ્રશ્નોનો નિકાલ કરાવી આપવામાં આવે.
આ પત્રમાં વધુમાં કહેવાયું છે કે, આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર નવી બનાવવા અંગે અધિકારીને મૌખિક અને લેખિત જાણ કરવામાં આવી છે. આમ છતાં આજદિન સુધી સ્થળ પર કોઈ કામગીરીઓ કરવામાં આવી ન હોય, લગત અધિકારીને સૂચનાઓ આપવા લખ્યું છે.
આ પત્રના અંતે લખવામાં આવ્યું છે કે, 78-વિધાનસભા ધારાસભ્યની સ્પેશિયલ ગ્રાન્ટમાંથી આ વિસ્તારમાં કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે નાણાંની ફાળવણી કરવામાં આવી છે. આ વોલનું કામ આજદિન સુધી શરૂ કરવામાં આવ્યું નથી. આ બાબતે અમારાં દ્વારા અનેકવખત રજૂઆત બાદ પણ આ કામગીરીઓ ચાલુ કરવામાં આવી નથી. આ બાબતે લગત અધિકારીને સૂચનાઓ આપવામાં આવે અને પત્રમાં કહેવાયું છે કે, ઉપરોકત બાબતો અંગે થયેલી કાર્યવાહીઓની જાણ પણ કરવામાં આવે.
આ પત્રથી એટલું સૌ કોઈ સમજી શકે કે, ખુદ શાસકપક્ષના કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયરે તંત્રને આટલાં કાલાવાલા લોકોના કામો માટે કરવા પડે અને એ પછી પણ કામો ન થતાં હોય, એ સ્થિતિઓ વચ્ચે આ મહાનગરપાલિકા કરદાતા નગરજનોની શી વલે કરતી હશે.
