Mysamachar.in-અમદાવાદ:
ગુજરાત હાઇકોર્ટમાં, સરકાર જેમાં પક્ષકાર હોય એવા હજારો કેસ ચાલતાં રહેતાં હોય છે. અને, આ પ્રકારના સંખ્યાબંધ કેસોમાં સરકારી અધિકારીઓ તથા સરકારી વકીલોએ સોગંદનામા એટલે કે એફિડેવિટ ફાઇલ કરવાના થતાં હોય છે પરંતુ આ પ્રકારના એફિડેવિટ યોગ્ય પદ્ધતિઓ દ્વારા ફાઇલ થતાં નથી એવું અવલોકન કરી વડી અદાલતે એક મામલાની સુનાવણીમાં સરકારને આ સોગંદનામાઓ અંગે કડક નિર્દેશ આપ્યો છે.
જમીન સંપાદનના કિસ્સામાં વળતર સંબંધિત એક કેસની સુનાવણી દરમ્યાન, વડી અદાલતે વિવિધ કેસોમાં સરકાર તરફથી સરકારી વકીલો દ્વારા અદાલતમાં દાખલ કરવામાં આવતાં સોગંદનામાઓ સંબંધે જણાવ્યું કે, સરકારના અધિકારીઓ દ્વારા થતાં સોગંદનામાઓમાં પેરાવાઈઝ જવાબો કે વિગતો હોતી નથી. વડી અદાલતે હાઈકોર્ટની જીપી ઓફિસને હુકમ કર્યો કે, તમામ સરકારી વકીલો દ્વારા પિટિશનમાં ઉઠાવાયેલા મુદ્દાઓના અનુસંધાનમાં પેરાવાઈઝ જવાબો અને યોગ્ય રીતે મુસદ્દા સાથે જવાબો દાખલ કરવાના રહેશે.
વડી અદાલતે કહ્યું: અધિકારીઓ દ્વારા દાખલ થતાં સોગંદનામાઓમાં કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતોને લઈ તે મુજબના યોગ્ય રીતના જવાબો હોતાં જ નથી. મુખ્ય ન્યાયમૂર્તિની ખંડપીઠે આ ટીપ્પણીઓ કરી. વધુમાં સરકારપક્ષને ચેતવણી આપતાં કહ્યું કે, જો હવેથી આ પ્રકારે સોગંદનામાઓ કે એફિડેવિટ ફાઇલ થયા નહીં હોય તો, તેની ગેરહાજરીમાં રિટ પિટિશનના તથ્યોને સાચા માનીને તેનો સ્વીકાર કરવામાં આવશે.