Mysamachar.in-સુરત:
છેલ્લા કેટલાક સમયથી હનીટ્રેપની ઘટનામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. અહીં એક વેપારીને ફસાવી બ્લેકમેઇલ ટોળકીએ 18 હજાર રૂપિયા પડાવી લીધા. કતારગામમાં રહેતા કાપડ દલાલને હનીટ્રેપમાં ફસાવી ઠગ ટોળકીએ બ્લેકમેઇલ કરી 3 લાખ માંગ્યા બાદ 18 હજાર પડાવી લીધા હતા. યુવતીએ પુણા ખાતે આવેલા તેના ઘરે કાપડ દલાલને બોલાવ્યા બાદ તેના સાથીઓએ પોલીસનો સ્વાંગ રચી દંડા અને હાથકડી સાથે રોફ જમાવી ધાક-ધમકી આપી હતી.
કતારગામમાં આદમની વાડી ખાતે રહેતા કાપડ દલાલ 39 વર્ષિય સુરેશ ગભરૂ જેઓને સંતાનમાં 2 પુત્રી છે. થોડા સમય પહેલા જ તેઓ કોઇ કામથી મુંબઇ ગયા હતા અહીં તેમની મુલાકાત દિવ્યા નામની યુવતી સાથે થઇ હતી. દિવ્યાએ વાતોમાં ભોળવી સુરેશભાઇને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ તેઓએ મોબાઇલ નંબરની પણ આપ-લે કરી હતી. દરમિયાન એક દિવસ દિવ્યાએ સુરેશભાઇના મોબાઇલ નંબર પર મિસકોલ કર્યો હતો. મિસકોલ બાદ તેઓ વચ્ચે વાતચીત બાદ દિવ્યાએ તેમણે ઘરે બોલાવ્યા હતા. બપોરના બે વાગ્યે સુરેશભાઇ પુણામાં ગંગાનાગર ખાતે દિવ્યાના ઘરે ગયા હતા.
-કપડા ઉતારતા જ યુવતીના સાથીઓ આવી ગયા
એકાંત માણવા સુરેશભાઇ દિવ્યાના ઘરે પહોંચ્યો અહીં શરીર સંબંધ બાંધવાની વાત કરી દિવ્યાએ રૂમ બંધ કરી દીધો હતો અને સુરેશભાઇએ કપડાં ઉતારતા જ યુવતીના સાથીઓ આવી ચઢયા હતા. તેઓએ ઘરમાં ઘૂસી પોલીસ હોવાનું કહી સુરેશભાઇને દમ માર્યો હતો. દંડો અને હાથકડી લઇને ઘૂસી આવેલા ચાર યુવકોએ પોલીસ કેસ કરવાની વાત કરી સુરેશભાઇ સાથે મારપીટ પણ કરી હતી. ત્યારબાદ બ્લેકમેઇલ કરી બદનામ કરવાની ધમકી આપી અને સમાધાન પેટે 3 લાખ માંગ્યા હતા. સુરેશભાઇએ પોતાની પાસે રહેલા 18 હજાર તેઓને આપી દીધા હતા. પુણા પોલીસે સુરેશભાઇની ફરિયાદના આધારે ગુનો નોંધી નિકુલ પરષોત્તમ સોલંકીની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં અમિત મશરૂ, શિવરાજસિંહ, અલ્પેશ પટેલ અને દિવ્યા નામની યુવતીના નામ ખૂલતા તેઓને ભાગેડું જાહેર કરાયા હતા.