Mysamachar.in-તાપીઃ
તાપી જિલ્લામાં નેશનલ હાઈવે નંબર 56 ઉપર ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. સોનગઢના પોખરણ નજીક નેશનલ હાઈવે નંબર 56 ઉપર એસટી બસ, જીપ અને ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 10ના મોત નીપજ્યા છે જ્યારે 10થી વધુ ઈજાગ્રસ્ત થઈ હતી. ટ્રિપલ અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણે વાહનોના આગળના ભાગના ભુક્કા બોલાઈ ગયા હતા. ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળાં એકઠાં થયા હતા. અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
મળતી માહિતી પ્રમાણે તાપી જિલ્લાના સોનગઢના પોખરણ પાસે ગુજરાત સરકારની એસટી બસ કુશલગઠથી ઉકાઈ જતી હતી ત્યારે ટેન્કર ચાલકે રોગ સાઈડે આવીને અડફેટે લીધી હતી. આ દરમિયાન પાછળથી પુરપાટ આવતી ક્રુઝર ગાડીના ચાલકે કાબુ ગુમાવતા બસની પાછળ ટકરાઈ ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક વધવાની સંભાવના છે. અકસ્માતમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે નેશનલ હાઈવે નંબર 56 ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જોકે, પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબુમાં લીધી હતી.