Mysamachar.in-ગાંધીનગર:
જામનગર સહિત સમગ્ર રાજયમાં હજારો પ્રાથમિક શિક્ષકો વરસોથી બિનશૈક્ષણિક કામગીરીઓ મુદ્દે નારાજ છે. આ પ્રકારની કામગીરીઓની અસરો રાજ્યના શિક્ષણ પર પડે છે અને શિક્ષકો પર આ કામગીરીઓ વધારાનો બોજ પૂરવાર થતી રહી છે. લાંબા સમયના વિરોધ બાદ હવે, આ મુદ્દે શિક્ષણવિભાગમાં સળવળાટ શરૂ થયો છે.
રાજયના શિક્ષણ વિભાગના સેકશન અધિકારીએ રાજયના પ્રાથમિક શિક્ષણ નિયામકને એક પત્ર પાઠવ્યો છે. આ પત્રમાં જણાવ્યું છે કે, પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા ગત્ જૂલાઈમાં જે દરખાસ્ત શિક્ષણ વિભાગને મોકલવામાં આવેલી, તે દરખાસ્ત અન્વયે શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને પૂછયું છે કે, પ્રાથમિક શિક્ષકો દ્વારા કરવામાં આવતી બિનશૈક્ષણિક કામગીરીઓ પૈકી કઈ કઈ કામગીરીઓ શિક્ષકોએ ફરજિયાત રીતે કરવાની થાય છે.? અને શિક્ષકોને જે બિનશૈક્ષણિક કામગીરીઓ સોંપવામાં આવી છે તે પૈકી કઈ અને કેટલી બિનશૈક્ષણિક કામગીરીઓમાંથી શિક્ષકોને મુક્ત આપી શકાય એમ છે ?
આ જવાબો સાથેની વિગતવાર દરખાસ્ત પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી પાસેથી શિક્ષણ વિભાગ દ્વારા મંગાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બિનશૈક્ષણિક કામગીરીઓમાંથી મુક્તિ મેળવવા રાજયના પ્રાથમિક શિક્ષકોએ અનેકવખત આંદોલન કર્યા છે. રજૂઆતો કરી છે. સરકાર સાથે વાટાઘાટો કરી છે. ખાતરીઓ અને આશ્વાસનો અપાયા છે, બાદમાં આ તબક્કો શરૂ થયો છે.