Mysamachar.in-ગાંધીનગર
સરકારી નોકરી લાગ્યા બાદ કેટલાક શિક્ષકોને પોતાના વતનના જીલ્લામાં જવા માટે અનેક રજુઆતો અને નિયમો પછી પણ મેળ ના આવે તો અમુક શિક્ષકોએ રાજ્યમાં બોગસ તબીબી સર્ટીનો સહારો લીધાનું રાજ્ય સરકારને ધ્યાને આવતા આવનાર સમયમાં આ મામલે આવા બોગસ તબીબી સર્ટીફીકેટ રજુ કરનાર શિક્ષકો સામે મોટી તવાઈ બોલાવવામાં આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે, અત્યાર સુધીમાં 17 શંકાસ્પદ કેસોમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવાની મંજુરી સાથે સમગ્ર તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ઘટનાક્રમને પગલે શિક્ષણ જગતમાં ખળભળાટ સર્જાયો છે.ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે બાળકોના ઘડતરમાં પ્રાથમિક શિક્ષકોનો અપ્રતિમ ફાળો છે. ત્યારે આવા શિક્ષકો માંદગી અંગેના બનાવટી તબીબી પ્રમાણપત્રો રજુ કરી જિલ્લાફેરની બદલીની માંગણી કરી છે આવા સંજોગોમાં સર્વગ્રાહી તપાસ થાય એ માટે રાજય સરકારે સી.આઇ. ડી. ક્રાઇમને તપાસ સોપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.
રાજયના વિવિધ જિલ્લાઓમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા સત્તર જેટલા શિક્ષકો સામે વિવિધ જિલ્લા મથકોએ ફોજદારી તપાસ ચાલી રહી હતી. તેવા સંજોગોમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ તપાસ રાજય કક્ષાએથી થાય તે માટે રાજય સરકારને રજૂઆત કરતા આ મહત્વનો નિર્ણય કરાયો છે. રાજયના આઠેક જેટલા જિલ્લાઓના સત્તર જેટલા શિક્ષકો સામે એફ.આઇ.આર. દાખલ કરવા શિક્ષણમંત્રી દ્વારા મંજૂરી અપાતા તેમની સામે સંકલિત તપાસ કરવા માટે સી.આઇ.ડી. ક્રાઇમ ત્વરીત કામગીરી હાથ ધરશે.તેમણે ઉમેર્યુ કે વિદ્યાથીઓના ભાવી સાથે ચેડા કરનાર આ સત્તર જેટલા પ્રાથમિક શિક્ષકોએ હ્દય રોગ, કિડની, કેન્સર, ડાયાબિટીસ જેવા રોગો સંદર્ભે ખોટા તબીબી પ્રમાણપત્રો રજૂ કરી જિલ્લાફેરની માંગણી કરી છે તેની પણ યોગ્ય તપાસ કરાશે તેમ તેમણે ઉમેર્યુ હતું.