Mysamachar.in:ગાંધીનગર
સ્કૂલ ઓફ એકસેલેન્સ ખૂબ જ રૂપાળાં શબ્દો છે. સરકાર આ પ્રકારની શાળાઓ શરૂ કરવા થનગને છે. જો કે આ થનગનાટ પાછળ વિશ્વ બેંક તરફથી મળેલી રૂ.7,500 કરોડની સોફ્ટ લોન કારણભૂત હોવાની ચર્ચા છે ! હકીકત એ છે કે, સ્કૂલ ઓફ એકસેલેન્સમાં કરાર આધારિત શિક્ષકો હશે ! જેઓની ક્વોલિટી ટકોરાબંધ નહીં હોય ! અને, આ પ્રકારની નોકરી કરનાર પોતે કેટલો પાવરફૂલ અથવા કેટલી પાવરફૂલ હોય શકે ?! એ પણ સમજી શકાય તેવી બાબત લેખી શકાય. ગાંધીનગરમાં શાસકપક્ષમાં આ મુદ્દે બે છાવણી સર્જાઈ ગઈ છે. એક છાવણી કહે છે : શિક્ષકોની ક્વોલિટી બહુ મહત્વની બાબત છે, તેનાં પર ધ્યાન આપવું જોઈએ. અને, સચિવાલયમાં ઉચ્ચ અધિકારીઓ પૈકી ઘણાં એમ કહે છે : શિક્ષકોની ક્વોલિટીમાં બાંધછોડ ન કરી શકાય. ટૂંકમાં, ઉચ્ચ અધિકારીઓ પણ શિક્ષકોની ભરતી મુદ્દે બે ભાગમાં વેચાઈ ગયા છે. આ ટકરાવ આગામી સમયમાં કેવું સ્વરૂપ ધારણ કરશે ?!
અત્યંત આધારભૂત સૂત્રોનાં જણાવ્યા અનુસાર, સરકારે સ્કૂલ ઓફ એકસેલેન્સમાં શિક્ષકોની નિમણૂંકો હંગામી ધોરણે કરવાની દરખાસ્ત મૂકી છે. આ દરખાસ્તને કારણે અંદરખાને વિવાદ સર્જાયો છે ! ઉચ્ચ અધિકારીઓ પૈકી ઘણાં અધિકારીઓ શિક્ષણ મુદ્દે નિષ્ણાત છે. અને કેટલાંક નેતાઓ પણ શિક્ષણમાં શિક્ષકોની યોગ્યતાના આગ્રહી છે. આ સ્થિતિમાં ગાંધીનગર ખાતે આ દરખાસ્તને કારણે નેતાઓમાં તથા અધિકારીઓમાં પણ બે જૂથ પડી ગયાનું જાણવા મળે છે. જે પૈકી કેટલાંક નેતાઓ અને અધિકારીઓ દરખાસ્તની તરફેણમાં છે.
કેટલાંક નેતાઓ અને અધિકારીઓનું માનવું છે કે, હંગામી એટલે કે કરાર આધારિત શિક્ષકોને ભરોસે સ્કૂલ ઓફ એકસેલેન્સમાં ધાર્યા પરિણામો નહીં મેળવી શકાય. સંઘ કાશીએ પહોંચે નહીં, એવું પણ બની શકે. સૂત્રો કહે છે : શિક્ષા સહાયકો અને ખેલ સહાયકોની નિમણૂક માટે દરખાસ્ત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હજારો શાળાઓમાં વ્યાયામ શિક્ષકો પણ નથી અને શિક્ષકોની પણ હજારો જગ્યાઓ ખાલી છે ! સરકાર આ ખાલી જગ્યાઓ ભરવા દસ મહિનાના કોન્ટ્રાક્ટ પર ‘સહાયકો’ની ભરતી કરવા તલપાપડ છે. (આમાં પણ ભરતી કૌભાંડની સંભાવનાઓ નકારી શકાય નહીં !)
અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વ બેંક દ્વારા ગુજરાત સરકારને રૂ.7,500 કરોડની સોફ્ટ લોન આપવામાં આવી છે. આ લોન સરકારી શાળાઓમાં શિક્ષણ સુધારવા તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર આધુનિક બનાવવા આપવામાં આવી છે. રાજયની 32,000 શાળાઓ પૈકી 6,000 શાળાઓનું સ્કૂલ ઓફ એકસેલેન્સમાં રૂપાંતર કરવા આ સોફટ લોનનો ઉપયોગ કરવામાં આવશે. ગત્ વર્ષે ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં ઢંઢેરામાં કહ્યું હતું કે, આવતાં પાંચ વર્ષ દરમિયાન રાજ્યમાં કુલ 20,000 શાળાઓને સ્કૂલ ઓફ એકસેલેન્સમાં કન્વર્ટ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારી અથવા ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોએ TET પરીક્ષા પાસ કરવી ફરજિયાત હોય છે. જયારે સ્કૂલ ઓફ એકસેલેન્સમાં કોમ્પ્યુટર ચલાવવાનું સામાન્ય જ્ઞાન ધરાવનાર કોઈ પણ સ્નાતક શિક્ષા સહાયક (મદદનીશ શિક્ષક) તરીકે ભરતી થઈ શકશે ! આ સહાયકો એક્સેલેન્ટ હશે, એવી ખાતરી કોણ ? કેવી રીતે આપી શકે ?! અને, આ કરાર આધારિત હંગામી શિક્ષકો સ્કૂલોને એક્સેલેન્ટ બનાવી શકશે ?! આ મુદ્દે ગાંધીનગર બે છાવણીઓમાં વિભાજિત થયાનું જાણવા મળે છે !