Mysamachar.in-જામનગર:
પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષણ અને શિક્ષક વિષે માનભેર વાતો કરવાનો દિવસ, આજના શિક્ષકદિને ઘણાં શિક્ષકોને એવોર્ડ પણ આપવામાં આવી રહ્યા છે, અને આ વિશેષ દિવસની ઉજવણીઓ માટે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન થતું રહે છે. દર વર્ષે આ બધી બાબતો રૂટિન હોય છે, જેનાથી જમીની હકીકતોમાં કોઈ જ નોંધપાત્ર પરિવર્તન દેખાઈ રહ્યું નથી. એક તરફ બાળકોના શિક્ષણનો વિવિધ કારણોસર ભોગ લેવાઈ રહ્યો છે, બીજી તરફ શાસનની નીતિરીતિઓને કારણે વિશાળ શિક્ષકવર્ગ પણ નારાજ છે.
આજે પાંચમી સપ્ટેમ્બર શિક્ષકદિન નિમિતે Mysamachar.in દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના રાજ્ય પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા સાથે આ બાબતે ઔપચારિક વાતચીત કરવામાં આવી હતી અને રાજ્યભરના શિક્ષકોની ‘મન કી બાત’ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે કેટલાંક મુદ્દાઓ જણાવ્યા.
આ બંને રાજ્ય કક્ષાના હોદ્દેદારો સાથેની આ વાતચીતના કેટલાંક સરેરાશ મુદ્દાઓ એવા રહ્યા કે, જામનગર સહિત સમગ્ર રાજ્યમાં શાસન શિક્ષકોનો ઉપયોગ પોતાના પ્રચાર અને ભીડ એકત્ર કરવા કરે છે. જેની માઠી અસરો છાત્રોએ સહન કરવી પડે છે. અન્ય એક મુદ્દો એવો રહ્યો કે, શરૂઆતના વર્ષોમાં શિક્ષકોને માત્ર ચૂંટણી ફરજો જ સોંપવામા આવતી. હવે તો શિક્ષકો જાણે કે, જિલ્લાની ચૂંટણીશાખાના કર્મચારીઓ હોય તેમ, સમગ્ર વર્ષ દરમિયાન આ શિક્ષકો પાસેથી BLO ની કામગીરીઓ લેવામાં આવે છે, જેને કારણે બાળકોના શિક્ષણને થતું નુકસાન કોણ, કેવી રીતે ભરપાઇ કરી શકે ?
આ ઉપરાંત અન્ય મુદ્દાઓ એવા રહ્યા કે, સરકારની બધી જ કામગીરીઓમાં, બધાં જ ઉત્સવોમાં શિક્ષકોને જોતરવામાં આવે છે. વન મહોત્સવ હોય કે કૃષિ મહોત્સવ- ભાર બધો જ શિક્ષકો પર લાદી દેવામાં આવે. આ ઉપરાંત આફતો વગેરે બાબતે થતાં સર્વે જેવા કામોમાં પણ શિક્ષકોને જોતરી દેવામાં આવે છે. આ સાથે જ આજે શિક્ષકો પર સૌથી મોટો ભાર ઓનલાઈન કામગીરીઓનો છે. શિક્ષણ ઓફલાઈન છે અને શિક્ષકોએ શિક્ષણ સિવાયની અન્ય બધી જ કામગીરીઓ ઓનલાઈન કરવાની, જેને પરિણામે શિક્ષકોને જાણેકે કોમ્પ્યુટર ઓપરેટર બનાવી નાંખવામાં આવ્યા હોય, એવો ઘાટ છે. શિક્ષકો પરના આ બોજને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણનો ભોગ લેવાઈ રહ્યો છે. એક તરફ વિદ્યાર્થીઓને દેશનું ભવિષ્ય કહેવામાં આવે છે અને બીજી તરફ શિક્ષકોનો ઉપયોગ એવી વિચિત્ર રીતે કરવામાં આવી રહ્યો છે, જેને કારણે કરોડો વિદ્યાર્થીઓના- દેશના ભાવિના શિક્ષણનો ભોગ લેવાઈ રહ્યો છે. આજે શિક્ષકદિનની ઉજવણીઓને સાર્થકતા બક્ષવા શાસન કંઈક ‘હટકે’ વિચારશે ? કે પછી, આ જ ઘરેડમાં શિક્ષણનો ભોગ લેવાતો રહેશે ?! (symbolic image source:google)