Mysamachar.in:ગુજરાત
આજે પાંચમી સપ્ટેમ્બર, શિક્ષક દિવસ. સરકારી અને રાજકીય તથા સંસ્થાઓના કાર્યક્રમોમાં રાજયભરમાં ડાહી, મોટી અને ગળચટી વાતો થતી રહેશે. પરંતુ રાજયના શિક્ષણવિભાગની માર્કશીટ તપાસો. તેમાં લાલ અક્ષરે લખ્યું છે- નાપાસ !! ગુજરાતનું શિક્ષણ ઠોઠ સાબિત થયું છે. પાછલાં 6 વર્ષમાં પરિણામો ઘટયા છે. 2017માં રાજયમાં શૂન્ય ટકા પરિણામો ધરાવતી શાળાઓની સંખ્યા 98 હતી. આજે 2023માં 157 શાળાઓનું ધોરણ 10 નું પરિણામ શૂન્ય આવ્યું છે. રાજયમાં 2017માં ધોરણ 10 ના પરિણામોમાં 971 શાળાઓનું પરિણામ 30 ટકાથી ઓછું આવેલું. 2023માં 1,084 શાળાઓનું પરિણામ 30 ટકાથી ઓછું આવ્યું.
2017માં ધોરણ 10 ના પરિણામોમાં 100 ટકા પરિણામ આપનારી શાળાઓની સંખ્યા 451 હતી. 2023માં આ હોંશિયાર શાળાઓની સંખ્યા ઘટીને 272 થઈ ગઈ. રાજયમાં મોટાભાગની શાળાઓમાં પૂરતાં શિક્ષકો નથી. શિક્ષકો પાસે શિક્ષણ સિવાયની 115 કામગીરીઓ કરાવવામાં આવે છે. વેકેશનો અને આ કામગીરીઓને બાદ કરો તો શિક્ષકો પાસે ભણાવવા સમય જ નથી બચતો ! સરકાર શિક્ષિત બેરોજગારો પાસે કામો કરાવવાને બદલે શિક્ષણ સિવાયની ઘણી કામગીરીઓ શિક્ષકો પાસે કરાવે છે. શિક્ષકોને રીતસર ઢસરડા કરાવે છે. શિક્ષકોની ‘મન કી બાત’ સરકાર સાંભળતી નથી તેથી શિક્ષકોએ વર્ષભર રજૂઆતો કરવી પડે છે, જાહેરમાં રામધૂન ગાવી પડે છે અને એ પણ રજાના દિવસે તડકામાં !!