Mysamachar.in-અમદાવાદઃ
શિક્ષક સ્કૂલમાં બાળકોને વધુ લાલચ ન કરવા તથા લાલચ બૂરી બલા જેવા પાઠ ભણાવતા હોય છે, પરંતુ અમદાવાદમાં એક શિક્ષક ખુદ ભૂવાજીની વાતમાં આવી ગયા અને મોટું આર્થિક નુકસાન કરી બેઠા. ભૂવાજીએ શિક્ષકને 10 ગણા રૂપિયા કરવાની લાલચ આપી હતી, આથી શિક્ષકે ભૂવાજીના કહ્યા પ્રમાણે અલગ અલગ 10 લાખ રૂપિયા આપી દીધા હતા, જો કે ભૂવાજી ચૂનો લગાવી દેતા શિક્ષકે હવે પોલીસની મદદ માગી છે. શહેરના નરોડા વિસ્તારમાં રહેતા શિક્ષક હિમાંશુ ત્રિપાઠી દોઢ માસ પહેલા ચાની કિટલી પાસે ચા પીવા ઉભા હતા ત્યાં દશરથ પ્રજાપતિ નામના શખ્સે વિશ્વાસમાં કેળવી કહ્યું કે અર્જુન સોલંકી નામના ભૂવાજી વિધિ કરીને એકના 10 ગણા રૂપિયા કરી આપે છે.
આ સાંભળી લાલચમાં આવેલા શિક્ષકે રસ દાખવી મોબાઇલ નંબરની આપલે કરી લીધી અને શિક્ષકને ભૂવાજીને મળવા માટે લઇ જવામાં આવ્યા. ભૂવાજીને મળવા પહોંચેલા શિક્ષકને પહેલા ચમત્કાર દેખાડવામાં આવ્યો, જેમાં ભુવાજી શિક્ષકને એક મકાનમાં લઇ જઇ કહ્યું કે, તમને વિધિ કરીને એકના દસ ગણાં રૂપિયા કરી બતાવું. ભૂવાજીએ એક સિગરેટ સળગાવી બંધ રૂમમાં મૂકી આવ્યા, 10 મિનિટ બાદ એ રૂમમાં શિક્ષકને સાથે લઇ ગયા, જ્યાં જોયું તો સિગરેટ પાસે નાણાંનો ઢગલો થઇ ગયો હતો. આ જોઈ અંજાઈ ગયેલા શિક્ષકે ભુવાજીને 10 લાખ આપ્યા ત્યારે ભુવાજીએ કહ્યું કે, નાણાં ભરવા માટે પેટી જોઇશે. બાદમાં ભૂવાજી શિક્ષકને રૂમમાં લઇ જઇ સિગારેટ સળગાવી પતરાની પેટીમાં 10 લાખ મૂકી બહાર લઇને આવ્યા.
થોડીવાર બાદ ભૂવાજી અને શિક્ષક પતરાની પેટી બહાર લઇને આવ્યા. ભુવાજીએ શિક્ષકને જણાવ્યું હતું કે, ઘરે ગયા બાદ મને ફોન કરીને જ પેટી ખોલજો નહીં તો વિધિ કામ નહી કરે. પતરાની પેટી લઇને શિક્ષક ઘરે જઇ ભુવાજીને ફોન કર્યો તો ભુવાજીએ એવું કહ્યું હતું કે, વિધી બગડી ગઇ છે તમે એ પેટી વહેતા પાણીમાં પધરાવી દેજો. બાદમાં ફરી વિધિ કરવા માટે શિક્ષક પાસે વધુ 2 લાખની માગણી કરવામાં આવી, જો કે દૂધના દાજેલા છાસ પણ ફૂકીને પીવે એવી હાલત શિક્ષકની થતા, તેઓએ અંતે પોલીસ સ્ટેશનમાં ભૂવાજી અને તેના મળતિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.