Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાના ટેક્સ ઓફીસર દ્વારા થયેલ કથિત ગોટાળાઓનો મામલો દિવસે ને દિવસે હવે કલર પકડી રહ્યો છે, અને તેને છાવરવાની કોઈની મંછા હશે તો આ વખતે તે શક્ય નહિ બને કારણ કે કાગળ પર સચોટ પુરાવાઓ સાથેનો અને ગંભીર ગેરરીતિઓ અને મહાનગરપાલિકાને આર્થિક નુકશાન પહોચાડવાનો મામલો આમ તો દીવા જેવો ચોખ્ખો છે, પણ સરકારી વિભાગોમાં પ્રક્રિયા અનુસરીને કાર્યવાહી થતી હોય છે એટલે તે હવે કરવી તો પડશે જે વાત સુનિશ્ચિત બની છે, એવામાં ઇન્ચાર્જ આસી.કમિશ્નર ટેક્સ જીગ્નેશ નિર્મલ દ્વારા કમિશ્નરને જે બીજો 200 થી વધુ પાનાનો પુરાવાઓ સાથેનો અહેવાલ આપવામાં આવ્યો છે તેના વધુ કેટલાક મુદ્દાઓ પર નજર કરવામાં આવે તો..
જામનગર મહાનગરપાલિકાની ઓકટોબર-2013માં હદ વધારવામાં આવેલ અને આ નવી હદ વિસ્તારમાંની તમામ મિલ્કતોના સર્વે ત્યારબાદ એસેસમેન્ટ નોટિસ વાંધાસૂચનોનો નિકાલ અને ફાઈનલ બીલની બજવણીની પ્રક્રિયા તા.6-3-17 બાદ જ હાથ ધરવામાં આવેલ અને આ તમામ મિલ્કતોની એસેસમેન્ટ નોટિસ ટેકસ ઓફિસર જી. જે. નંદાણીયાની સહીથી જ ઈશ્યુ કરવામાં આવેલ છે. એટલે કે તમામ મિલ્કતોની આખરી ચકાસણીની જવાબદારી ટેકસ ઓફિસરની રહેવા પામે છે. તેમ છતાં પણ ટેકસ ઓફિસર દ્વારા બેજવાબદારીપૂર્વક કામગીરી દાખવી મહાનગરપાલિકાને ન અંદાજી શકાય તેવુ નુકશાન કરાવેલ છે.
વધુમાં જામનગર શહેરમાં ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા મંજૂર થયેલ લે-આઉટ અને આપેલ રજા પરવાનગીની વિગતો રજૂ થયા બાદ પણ બે માસ જેટલો સમય થઈ ગયેલ હોય આ અન્વયે કોઈ જ હકારાત્મક કામગીરી તેઓ દ્વારા કરવામાં આવેલ નથી. વધુમાં અગાઉના રીપોર્ટમાં 8 લે-આઉટની વિગતો રજૂ કરવામાં આવેલ હતી. ત્યારબાદ બાકી રહેતા 16-લે-આઉટ કે જે ઔદ્યોગિક હેતુ માટે મંજૂર કરવામાં આવેલ છે. જેમાંથી 5 લે-આઉટ રહેણાંકમાં અપડેટ કરવામાં આવેલ છે. આવું કરવાથી મનપાની તિજોરીને મોટું આર્થિક નુકશાન થયું છે તેની રીકવરી પણ તપાસના અંતે થવી જોઈએ તેમ નિષ્ણાતનો મત છે(ટેકસ અપડેટ થયેલ લે-આઉટ, એસેસમેન્ટ નોટિસ અને બીલની તમામ વિગતોની નકલ આ સાથે પુરાવાઓ તરીકે રીપોર્ટમાં મુકવામાં આવી હોવાનો ઉલ્લેખ છે)
તો બિનરહેણાંક ઔદ્યોગિક હેતુના લે-આઉટ રહેણાંકમાં અપડેટ કરવામાં આવેલ છે એ તો ઠીક પરંતુ પ્રવર્તમાન ટેક્સ ઓફિસર દ્વારા પ્લોટના એરિયામાં પણ ગેરરીતિઓ આચરવામાં આવેલ છે. જેથી કરીને ટેકસની રકમમાં ઘટાડો થાય ઔદ્યોગિક હેતુના મંજુર થયેલ મોટા-મોટા એરિયાઓમાં 300 થી 500 ચો.મી. નો ઘટાડો કરી દેવામાં આવેલ છે. (બોલો આ તો જેનું ખાધું ત્યાં જ ખોદ્યું ના કહેવાય) આ તો માત્ર તપાસણી કરેલ લે-આઉટમાં ધ્યાનમાં આવેલ વિગતો છે સમગ્ર વર્ષ દરમિયાન તો ચાર થી પાંચ હજાર મિલ્કતો નામ ટ્રાન્સફર, અપડેટ થતી હોય આવી મિલ્કતોમાં પણ ઘટાડો થયો ન હોય તે મિલ્કતો તપાસનો વિષય બની જાય છે.
હાલે અમારા દ્વારા તપાસવામાં આવેલ લે-આઉટ અન્વયે મૂળ મંજૂર થયેલ લે-આઉટ પ્લોટ એરિયા અને અપડેટ કરેલ પ્લોટ એરિયાની વિગતો દર્શાવતું પત્રક તથા લે-આઉટ અને બીલની નકલ પણ આ રીપોર્ટ સાથે સામેલ કરવામાં આવી છે. આ જ રીપોર્ટમાં અન્ય કેટલાક હજુ પણ મહત્વના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, અને આ રીપોર્ટ કમિશ્નર પાસે પહોચી ચૂક્યાનું મનપાના આધારભૂત સુત્રો જણાવે છે, ત્યારે હવે આ મામલે જામનગર મહાનગરપાલિકા પુરતી તપાસ ના રહેતા આ મામલે કદાચ બહારની કોઈ એજન્સીઓ પણ તપાસમાં માથું મારે તેવી સંભાવનાઓ પણ જાણકારો વ્યક્ત કરે છે.