Mysamachar.in: જામનગર
જામનગર મહાનગરપાલિકાએ વર્ષ 2024-25 દરમિયાન વેરાવળતર યોજના ચલાવી. આ યોજના અંતર્ગત તા. 16-04-2024 થી તા. 31-05-2024 દરમિયાન, મહાનગરપાલિકાએ કરદાતા નગરજનોને મિલકતવેરામાં તથા પાણી ચાર્જમાં કુલ 10 ટકાથી માંડીને 25 ટકા સુધીનું વળતર આપ્યું. આ યોજનામાં 40,675 કરદાતાઓએ મિલ્કત વેરામાં અને પાણી ચાર્જમાં 18,999 કરદાતાઓએ વળતરનો લાભ લીધો.

મિલ્કતવેરામાં લોકોએ રૂ. 26.88 કરોડ ભરપાઇ કર્યા. અને, રૂ. 2.23 કરોડ વળતરનો લાભ અંકે કર્યો. એ જ રીતે પાણી ચાર્જમાં લોકોએ કુલ રૂ. 3.78 કરોડ મહાનગરપાલિકાને આપ્યા અને તેમાં રૂ. 38 લાખનું લોકોને વળતર મળેલ છે. આમ મહાનગરપાલિકાને કુલ આવક રૂ. 30.66 કરોડની થઈ અને લોકોને વળતર પેટે રૂ. 2.61 કરોડનો ફાયદો થયો. મહાનગરપાલિકા વધુમાં જણાવે છે કે, 27,178 મિલ્કતધારકોએ ઓનલાઈન ચૂકવણાં કરી વધારાના ડિસ્કાઉન્ટ પેટે રૂ. 45,39,652ની બચત મેળવી.

28,134 સામાન્ય કરદાતાઓએ આ યોજનાનો લાભ લીધો, 12,064 સિનિયર સિટીઝનને લાભ અપાયો. 76 દિવ્યાંગ કરદાતાઓએ લાભ લીધો. 10 બીપીએલ કાર્ડધારક વિધવા, 6 કન્યા છાત્રાલય, 21 માજી સૈનિક અને 1 સ્વાતંત્ર્ય સેનાની/શહીદ વિધવા તેમજ 10 અનાથાશ્રમ વગેરેએ આ વળતર યોજનાનો લાભ લીધો. આ ઉપરાંત સોલાર રૂફટોપ ધરાવતાં 353 કરદાતાઓએ આ યોજનાનો લાભ લીધો.આ સમગ્ર યોજના સફળ બને તે માટે મનપા કમિશ્નર ડી.એન.મોદીના માર્ગદર્શનમાં આસી.કમિશ્નર ટેક્સ જીગ્નેશ નિર્મલ, ટેકસ ઓફિસર વિજય ભાભોર સહિતના અધિકારીઓએ અથાગ જહેમત ઉઠાવી હતી.