Mysamachar.in-જામનગર:
જામનગરમાં દરેક તંત્રોને, દરેક મહત્વપૂર્ણ કામોમાં લાલિયાવાડીઓ ચલાવવાની કુટેવ છે, કોઈ પણ તહેવાર કે પ્રસંગ હોય, નિયમોની મોટી મોટી વાતો માત્ર થાય, બાકી બધું ભંભેભંભ ચાલતું રહે. ગત્ જન્માષ્ટમી મેળાઓ વખતે પણ તંત્રો ગાજેલા અને ધંધાર્થીઓની લાલિયાવાડીઓ કોઈ તંત્ર દ્વારા ઝડપી લેવામાં આવી ન હતી. હાલમાં ફટાકડા પરવાના બાબતે પણ ગોળ ગોળ વાતો ચાલી રહી છે.
જામનગરમાં ફટાકડાની દુકાનોથી માંડીને મેગા મોલ શરૂ થઈ ગયા છે, 31 તારીખ સુધી વેચાણ થશે. મોલના ઉદઘાટન પણ થઈ ગયા છે, બેન્ડવાજા પણ વાગી ચૂક્યા અને ફટાકડા વેચાણની જાહેરાતો પણ થઈ ચૂકી છે. બીજી તરફ, Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં શહેર SDM પ્રશાંત પરમાર કહી રહ્યા છે કે, હજુ સુધી એક પણ ધંધાર્થીને ફટાકડા વેચાણનો પરવાનો આપવામાં આવ્યો નથી. 127 અરજીઓ અન્ડર પ્રોસેસ છે.

ગત્ જન્માષ્ટમી મેળાઓ વખતે સૌએ જોયું કે, ધંધાર્થીઓને NOC ના મળેલ હોય તેવા ધંધાર્થીઓ પણ ધમધમતા મેળાઓમાં ધંધો કરતાં હતાં. એક પણ તંત્રએ એક પણ ધંધાર્થીને ‘ફાંસીને માંચડે’ ચડાવી દીધો ન હતો. બેફામ લાલિયાવાડીઓ ચાલી. દીવાળીના ફટાકડા વેચાણમાં પણ આમ જ ચાલશે, કેમ કે ખુદ SDM કહે છે: પરવાનો આપવાનો કોઈ અંતિમ દિવસ નક્કી કરવામાં આવ્યો નથી. અધિકારીના આ જવાબ પરથી સમજી શકાય કે, કચેરીમાં અરજીઓ અન્ડર પ્રોસેસ પડી રહી હોય તેવા કિસ્સાઓમાં પણ ધંધાર્થીઓ આરામથી ફટાકડા વેચતા રહેશે. દેખાડા પૂરતાં એકાદ બે સ્ટોલ હંગામી ધોરણે બંધ પણ કરાવવામાં આવશે. અને તંત્રોના આવા નાટકો ગામ આખું જાણે છે.

ફટાકડાબજારોમાં આગ સૌથી ગંભીર મામલો હોય છે. આવી સંવેદનશીલ બાબતોમાં પણ દર વર્ષની માફક આ વર્ષે પણ લાલિયાવાડીઓ જ ચાલશે એવું દેખાઈ રહ્યું છે. કેમ કે, તંત્રો નગરજનોની જાણ માટે આ અંગેની રાજ્ય સરકારની SOP જાહેર કરવાને બદલે, રેતી પાણીની ડોલ વડે આગ ઓલવવાની તાલીમની વાતોના વડામાં દર વર્ષની માફક આ વર્ષે પણ વ્યસ્ત જ રહેશે અને અમે કામ કરી રહ્યા છીએ, નજર રાખી રહ્યા છીએ, એવા દેખાડા કરતાં રહેશે.(ફાઈલ તસ્વીર)
