Mysamachar.in-જામનગર:
કોઈ પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોય કે પછી કોઈ પણ સરકારી વિભાગ હોય, નાણાંની ગેરકાયદેસર લેતીદેતીઓ કોઈના પણ માટે ‘નવી વાત’ નથી. બધે, બધું જ વ્યવહારને કારણે સ્મૂથ રીતે ચાલતું હોય છે, એમાં જ્યારે સંતુલન બગડે છે ત્યારે, ઉહાપોહ મચતો હોય છે અથવા અંદરની ચણભણ બહાર આવી જતી હોય છે. જામનગર મહાનગરપાલિકામાં હાલ આવું બની રહ્યું હોવાનું અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે. કોર્પોરેશનમાં ખાસ કરીને અધિકારી વર્ગમાં હાલ ‘ઉકળાટ’ અને અકળામણ વ્યક્ત થતી હોવાના સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે.
કેટલાક ‘સેવકો’ પ્રોટેક્શન મનીના નામે ‘ખંડણી’ ઉઘરાવે અથવા વસૂલે- એ બાબત જન સામાન્યને અસામાન્ય લાગે પરંતુ મહાનગરપાલિકાની દીવાલોની પેલે પારની હકીકતો જાણતાં લોકોને ખબર હોય જ છે કે, અંતે તો બધો ખેલ નાણાંનો જ હોય છે. વર્ષો અને દાયકાઓથી બધું ચાલી રહ્યું છે, જામનગર હોય કે ગાંધીનગર- પ્રભાવ બધે જ નાણાંનો હોય છે, સબ સે બડા રૂપૈયા.
જામનગર મહાનગરપાલિકામાં પણ આ ‘પ્રેક્ટિસ’ દાયકાઓથી વ્યવસ્થિત રીતે ચાલી રહી હતી પરંતુ છેલ્લા કેટલાંક સમયથી શાસન કરનાર અને વિરોધ કરનાર- બંને પક્ષોના કેટલાક ખાસ પ્રકારનું ‘વજન’ ધરાવતાં ‘સેવકો’એ જે પ્રકારે પ્રોટેક્શન મની અધિકારીઓ પાસેથી વસૂલવાનું શરૂ કર્યું છે- તે પદ્ધતિઓ અધિકારીઓને અનુકૂળ નથી. અધિકારીઓ ઈચ્છે છે ‘માપ’ અને મહાનગરપાલિકામાં આ મામલે પાણી છેક નાક સુધી પહોંચી ગયું હોય, ઘણાં અધિકારીઓ ગૂંગળામણ અનુભવી રહ્યા છે.

જો કે, અધિકારીઓના પણ યુનિયન હોય જ છે, અધિકારીઓએ ગેરવાજબી માંગણીઓને તાબે થવાને બદલે ‘પ્રોટેક્શન મની’ની આ પદ્ધતિનો ખુલ્લો વિરોધ વ્યક્ત કરવો જોઈએ, એમ પણ જાણકારો કહે છે. જ્યારે અમુક લોકો એમ કહે છે કે, પાણીમાં રહી મગર સાથે વેર રાખવું શાણાં લોકોને પોસાય નહીં. એ ન્યાયે અધિકારીઓ ‘દાદાગીરી’ સહન કરી રહ્યા હોવાની અને ‘વજનદાર સેવકો’ની દાદાગીરી વધતી જતી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આ પ્રકારનો ટ્રેન્ડ શહેરીજનોના હિતોને તો નુકસાન પહોંચાડે છે, સાથેસાથે કાચના ઘરમાં રહેતાં સૌ સંબંધિતોએ પણ સમજી જવું જરૂરી- આ મામલો કોર્પોરેશનમાં ગમે ત્યારે ‘ભડકો’ બનવાની સંભાવનાઓ ધરાવે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, રાજકોટ મહાનગરપાલિકા જેવી બબાલ થાય ત્યારે, બધું અધિકારીઓએ સહન કરવું પડતું હોય છે, સેવકો માલ જમી છટકી જતાં હોય છે, માર ખાવાનો વારો અધિકારીઓને આવતો હોય છે. રાજકોટ અગ્નિકાંડ પછીની ત્યાંના કોર્પોરેશનની સ્થિતિઓ કફોડી બની છે. આ હકીકતો ધ્યાન પર રાખી સેવકોએ ‘માપ’માં રહેવું જોઈએ એવી પણ એક ચર્ચા છે. જામનગર મહાનગરપાલિકામાં આ પ્રકારની સ્થિતિઓમાં કંટાળી રાજીનામા ધરી દેશે તો, શહેરને સંભાળશે કોણ ?? ભૂતકાળમાં એક કરતાં વધુ વખત રાજીનામા પ્રકરણ બન્યા જ છે, જે અત્રે ઉલ્લેખનિય છે.