Mysamachar.in-બનાસકાંઠા:
હિન્દી ભાષામાં એક કહેવત છે..જબ ચીડીયા ચૂક ગઈ ખેત…અને ગુજરાતી ભાષામાં પણ એક કહેવત છે કે, ઘોડા છૂટી ગયા બાદ તબેલાંને તાળા. આ પ્રકારની સ્થિતિઓ લગભગ બધે જ જોવા મળે છે, જેને કારણે સરેરાશ નાગરિકો તંત્રોની કામગીરીઓને ‘એરણ’ પર મૂકી તપાસે છે, કામગીરીઓ નક્કર છે કે બોદી…
ડીસા ફટાકડા ફેકટરીની દુર્ઘટના થોડીવાર માટે ભૂલી જવાય તો પણ અત્યાર સુધીનો દરેક દુર્ઘટનાનો ઈતિહાસ એવો રહ્યો છે કે, એ દુર્ઘટના પહેલાં સૌ સંબંધિતો અને જવાબદારોએ ગુનાહિત બેદરકારીઓ દાખવી હોય જેને કારણે દુર્ઘટનાઓ બની હોય અને નિર્દોષ લોકોના ભોગ લેવાયા હોય. દરેક વખતે તપાસો શરૂ થાય. દરેક વખતે મહિનાઓ સુધી સૌ ગાજે. પછી બધું ઠંડુ પડે. નવી કોઈ દુર્ઘટના ન બને ત્યાં સુધી. પછી ફરી ઢોલ વાગે.
એ જ રીતે, જ્યાં સુધી અસામાજિક તત્ત્વો વિરુદ્ધ કાર્યવાહીઓ કરવાની તંત્રોને ફરજો ન પડે ત્યાં સુધી આવા તત્ત્વો સંબંધિતોની ઉદાસીનતાને કારણે મોજ માણતા રહે. પછી કામગીરીઓ અને કાર્યવાહીઓના ઢોલ પીટવામાં આવે.
વર્ષો સુધી નઠારા તત્ત્વો વીજચોરી કરતાં રહે. માથાભારે લોકો દબાણો કરતાં રહે. ગેરકાયદેસર બાંધકામો ખડકાતા રહે. કોઈ, કશું બોલે નહીં. લાંબા સમય બાદ તંત્રો પર ‘દબાણ’ આવે. તંત્રો મેદાનમાં નીકળી પડે. આટલાં વીજજોડાણ કાપવામાં આવ્યા. આટલો દંડ કરવામાં આવ્યો. આટલાં દબાણો હટાવવામાં આવ્યા. આટલાં ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા. આટલી જમીનો ખુલ્લી કરાવવામાં આવી. વગેરે વગેરે પ્રચારગીતડા ગવાય. લોકોને પ્રશ્ન એ થઈ રહ્યો છે કે, તંત્રો બધી જ કામગીરીઓ અને કાર્યવાહીઓ ભારે વિલંબ બાદ જ શા માટે કરે છે ? બધે જ, બધું જ ખોટું ચાલી રહ્યું હોય છે ત્યારે, વર્ષો સુધી તંત્રો કોની ‘અદબ’ જાળવતા હોય છે. પલાંઠી લગાવી શા માટે બેઠા રહે છે. આ લોકપ્રશ્નનો સ્પષ્ટ ઉત્તર કોઈ પાસે નથી. પરંતુ આ પ્રશ્ન પૂછી, નાગરિકો તંત્રોની ‘નિયત’ પ્રત્યે ઈશારો કરી રહ્યા છે.