Mysamachar.in-જામનગર
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ પણ માથું ઊંચક્યું છે. રોજ વાઇરલ તાવ, શરદી-ખાંસી, ડેંગ્યુ, મેલેરિયા, કોલેરા, ઝાડા-ઉલ્ટી વગેરેના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. ત્યારે ડેંગ્યુ તાવ પણ તેમાંથી જ એક છે. આ એક સંક્રામણ બીમારી છે, જે એડીઝ મચ્છર કરડવાથી થાય છે. હાલ ફરી ડેંગ્યુનો પ્રકોપ વધી રહ્યો છે. વરસાદ દરમિયાન અને વરસાદ વરસ્યાના થોડા દિવસોમાં આ રોગ ઝડપથી ફેલાય છે. વરસાદના કારણે ઠેર-ઠેર પાણીનો ભરાવો થવાથી આ મચ્છરોમાં ઝડપથી વૃદ્ધિ થાય છે. ડેંગ્યુ થવા પર દર્દીને તીવ્ર તાવ અને માથામાં ખૂબ દુખાવો થાય છે. જો સારવાર સમયસર ન કરવામાં આવે તો દર્દીનું મોત પણ થઇ શકે છે. ડેંગ્યુના તાવ ત્રણ પ્રકારના હોય છે. આ ત્રણેયના લક્ષણો જાણવા જરૂરી છે.
-સામાન્ય ડેંગ્યુના લક્ષણો
સામાન્ય ઠંડી લાગવાની સાથે અચાનક તાવ આવવો, માથુ, સ્નાયુઓ અને સાંધાઓમાં દુખાવો થવો, આંખોની પાછળના ભાગમાં દુખાવો થવો, જે આંખો દબાવવાથી કે ફેરવવાથી વધી જાય છે, નબળાઇ અનુભવવી, ભૂખ ન લાગવી અને ઉબકા આવવા, મોઢાનો સ્વાદ બગડી જવો, ગળામાં દુખાવો થવો, શરીર પર લાલ ડાઘાઓ થવા
-ડેંગ્યુ હેમરેજીક તાવના લક્ષણો
સાધારણ ડેંગ્યુ તાવના લક્ષણોની સાથેસાથે નાક અને પેઢાઓમાંથી લોહી નીકળવું, શૌચ કે ઉલ્ટીમાં લોહી આવવું, ત્વચા પર વાદળી-કાળા રંગની ફોલ્લીઓ જેવા લક્ષણો દેખાય છે.
-ડેંગ્યુ શોક સિંડ્રોમના લક્ષણો
ઉપરના લક્ષણો સિવાય દર્દીને બેચેની થાય છે અને તાવ હોવા છતા તેની સ્કીન ઠંડી રહે છે. દર્દી ધીમે-ધીમે હોશમાં રહેતો નથી. દર્દીની નાડી ઝડપી અને નબળી હોય છે. અને બ્લડપ્રેશર પણ ઘટવા લાગે છે.