Mysamachar.in-અમદાવાદ:
એક તરફ ગુજરાતમાં તહેવારોની મૌસમ ચાલી રહી છે, બીજી બાજુ GSTએ જૂની ફાઈલો ફંફોસી લીધી છે અને અંદાજે 20,000 થી વધુ ધંધાર્થીઓને નોટિસ પકડાવી દીધી છે. આ નોટિસોમાં નોંધપાત્ર મુદ્દો એ પણ છે કે, પાંચેક વર્ષ અગાઉના હિસાબોની તંત્ર દ્વારા હવે ચકાસણીઓ કરવામાં આવી છે. અને બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે, આ ધંધાર્થીઓમાં બિલ્ડર્સનો પણ સમાવેશ થાય છે. કેમ કે, તેઓની ખરીદીઓ તંત્ર સમજવા માંગે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, વર્ષ 2017-18માં કન્સ્ટ્રકશન વ્યવસાયમાં GST 12 ટકા હતો. આ બોજ બિલ્ડર્સ અને ડેવલપર ખરીદદારો પર પાસ કરતાં હતાં અને એ રીતે ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવતાં હતાં. આથી ITC ચકાસવાની કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. કારણ કે, બિલ્ડર્સએ ખરીદીઓ પર GST ચૂકવવાનો હોય છે જેનું સેટલિંગ ITC સાથે થતું હોય છે.
અને એ પણ ઉલ્લેખનિય છે કે, 2019માં સરકારે એફોર્ડેબલ હાઉસિંગ માટેનો GST 1 ટકો અને બાકીના મકાનો પરનો GST 5 ટકા કરી નાંખ્યો હતો. અત્યંત આધારભૂત સૂત્રો જણાવે છે કે, બિલ્ડર્સ ઉંચી ખરીદીઓ દેખાડવા સપ્લાયર્સ પાસેથી બોગસ બિલો મેળવી નફો એડજસ્ટ કરી રહ્યા છે. આ પ્રકારના સપ્લાયરોને પણ નોટિસ પહોંચી છે.
બિલ્ડર્સને GST એકટના સેકશન 73 મુજબની નોટિસ મોકલવામાં આવી હોવાનું અધિકારીઓ જણાવે છે. અધિકારીઓએ બિલ્ડર્સને કહી દીધું છે, કાં તો તમારી ખરીદીઓ અંગે લેખિત ખુલાસાઓ અને પુરાવાઓ આપો અથવા ટેક્સ ભરી દો. અધિકારીઓના આ વલણને કારણે ઘણાં બિલ્ડર્સ અને ડેવલપર તથા સપ્લાયર્સના તહેવારોની ઉજવણીઓનો રંગ ફિક્કો પડી ગયો હોવાનું બિઝનેસ વર્તુળો જણાવે છે.