Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ખંભાળિયાની એક ઓળખ તથા મીની તરણેતરની અગાઉ ઉપમા પામેલો શક્તિનગર વિસ્તારમાં યોજાતો શિરુ તળાવનો લોકમેળો આ વર્ષે ભારે વિવાદાસ્પદ બની ગયો છે. શક્તિનગર ગ્રામ પંચાયત આયોજિત આ શિરેશ્વર લોકમેળો પ્રારંભથી જ લૂંટમેળો તથા અવ્યવસ્થાનું ઘર બની રહે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ પ્લોટની હરાજીમાં તોતિંગ રકમ મેળવી ચૂકેલી ગ્રામ પંચાયત નિયમોની અમલવારી કરવા તથા કરાવવામાં સદંતર નિષ્ફળ નીવડી છે.
ખંભાળિયાના શક્તિનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં યોજાયેલા શીરૂ તળાવના આ લોકમેળામાં લોકોના જીવ સાથે ચેડા થયા હોય તેમ મંગળવારે પ્રથમ દિવસે તથા ગઈકાલે બીજા દિવસે પણ લાયસન્સ ન મળ્યા હોવા છતાં આ લોકમેળો બિન્દાસ ચાલ્યો હતો. બેફામ લેવાતા ભાવ વધારા સાથે લોકોના આક્રોશ વચ્ચે ગ્રામ પંચાયત તંત્ર, પોલીસ તંત્ર તથા રેવન્યુ તંત્ર મુક પ્રેક્ષક બનીને જોતું રહેતા આ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુધી ફરિયાદો કરવામાં આવી છે.
બે દિવસ પહેલા મંગળવારે ધારાસભ્ય સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આ લોકમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પરંતુ મંગળવારે કે ગઈકાલે બુધવારે રાઈડ્સ અંગેની પરમિશન મળી ન હતી. એટલું જ નહીં, પણ ગત સાંજે ફાયર એનઓસી આપવામાં આવ્યા બાદ ભારે વિવાદ તથા ઉહાપોહ ઉઠ્યા પછી પ્રાંત અધિકારીની સુચના મુજબ ટીડીઓ દ્વારા ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ગ્રામ પંચાયત, પોલીસ તંત્ર તથા સ્ટોલ ધારકો અને રાઇડ્સના સંચાલકોની મીટીંગ યોજવામાં આવી હતી. આ મિટિંગમાં અધિકારી દ્વારા કોઈપણ ચકડોળ ધારક વધુમાં વધુ રૂ. 30 લઈ શકશે તેવો સ્પષ્ટ હુકમ કર્યો હતો. તેમ છતાં પણ સતત બે દિવસથી લોકોએ કચવાટ સાથે રૂ. 50 ચૂકવતા અધિકારીઓના આદેશનો ઉલાળીયો થતો જોવા મળ્યો હતો.
આ મિટિંગમાં નિયમ મુજબ મેળો રાત્રિના 12 વાગ્યા સુધીમાં બંધ કરી દેવાનો હુકમ હોવા છતાં પણ ગતમોડી રાત્રી સુધી આ મેળાનો ધમધમાટ જોવા મળ્યો હતો. આમ, ભાવ બાંધણું તેમજ નિયમ મુજબ મેળો બંધ કરવાના હુકમનો સરા જાહેર ભંગ થતો જોવા મળ્યો હતો, મહત્વની બાબત તો એ છે કે મંગળવારથી શરૂ થયેલા ચાર દિવસના આ લોકમેળાની મૌખિક મંજૂરી ગઈકાલે મોડી સાંજે મળી હતી. આમ, બે દિવસ લોકોના જીવના જોખમે મેળો ચાલ્યો હતો.લોકમેળાના આયોજન માટે 32 જેટલા નિયમો બનાવવામાં આવ્યા છે. પરંતુ આ નિયમો પૈકી આંગળીના વેઢે ગણાય તેટલા નિયમોની અમલવારી થતી જોવા મળી હતી.
આ લોકમેળાથી શક્તિનગર ગ્રામ પંચાયતને હરાજીમાં આશરે રૂપિયા પોણા 29 લાખ જેટલી તોતિંગ રકમ મળી હતી. આ લોકમેળા માટે ગ્રામ પંચાયત સાથે લાયસન્સની મંજૂરીમાં પ્રાંત કચેરી અને નિયમોના પાલન માટે પોલીસ તંત્ર સહિત ત્રણ તંત્રનું સંકલન અનિવાર્ય હોવાથી આ ત્રણેયનું સંકલન ન થવાના કારણે નિયમોનો ખુલ્લેઆમ ભંગ થયો હતો અને અગાઉ વ્યક્ત કરવામાં આવેલી દહેશત મુજબ વધુ એક વખત શિરેશ્વરનો લોકમેળો લૂંટમેળો સાબિત થયો છે.નિયમોની અમલવારી કરાવવા અગાઉ પીએસઆઇ દરજ્જાના એક અધિકારી જ કાફી હતા. પરંતુ આ વખતે પી.આઈ. સહિત આશરે 100 જેટલા પોલીસ, રેવન્યુ તંત્ર, સહિત વિશાળ સ્ટાફ હોવા છતાં પણ નિયમોનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. ખાસ કરીને ભાવ બંધાણાનો ઉલાળીયો થતા મેળામાં આંટા મારતા તંત્રના કર્મચારીઓની કામગીરી સામે પ્રશ્નાર્થ જોવા મળ્યો હતો. આ બાબતે લોકોમાં ભારે રોષ સાથે આ ગંભીર મુદ્દે ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત થઈ છે.
જાણકારો દ્વારા આ લોકમેળો “લુટમેળો” બનશે તેવી આશંકા પહેલાથી જ વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ પોલીસ અને રેવન્યુ તંત્રનું સંકલન ન હોય અને ગ્રામ પંચાયતને તેમની લાખો રૂપિયાની આવકમાં જ રસ હોય તેવું વલણ ભારે ચર્ચસ્પદ અને ટીકાપાત્ર બની ગયું છે.હજુ આવતીકાલ શુક્રવાર સુધી બે દિવસ લોકમેળો ચાલુ છે. ત્યારે નિયમોની અમલવારી થશે કે કેમ? તે મુદ્દે લોકોને મીટ મંડાઈ છે.આમ, લોકમેળાના આયોજન માટે આ વખતે ગ્રામ પંચાયત ટૂંકું પડતા મીની તરણેતરની ઉપમા પામેલા આ લોકમેળાની ગરિમા સંપૂર્ણપણે ઝંખાઈ ગઈ છે.