Mysamachar.in:જામનગર:
જામનગરની જિલ્લા સહકારી બેંક જિલ્લાના સહકાર ક્ષેત્રમાં અને રાજકારણમાં મોટો દબદબો ધરાવે છે, જેનાં 4 મુખ્ય પદો વિશેષ આકર્ષણ અને મહત્ત્વ ધરાવતાં હોય છે, તેની પસંદગીઓની પ્રક્રિયાઓ શરૂ થઈ છે અને 29 ડિસેમ્બરે આ માટેની સભ્યોની ખાસ બેઠક યોજાશે, તે પહેલાં આજે નાતાલની રજાના દિવસે પ્રદેશ BJPએ જામનગરમાં આ માટે સેન્સનો કાર્યક્રમ યોજ્યો છે.
જિલ્લા સહકારી બેન્કમાં હાલમાં રાજ્યના બે કેબિનેટ મંત્રીઓ અને જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ સહિતના માંધાતાઓ બોર્ડ ઓફ ડિરેક્ટરમાં બિરાજે છે, જો કે હવે આ બેન્ક પર શાસકપક્ષનો મજબૂત કબજો છે એટલે નવાજૂનીની કોઈ શકયતાઓ નથી પરંતુ શાસકપક્ષ આ બેન્કના બોસ એટલે કે, ચેરમેન કોને બનાવશે ? તે અંગે ઉતેજનાઓ જરૂર છે. કેમ કે, આગામી મહિનાઓમાં લોકસભાની ચૂંટણીઓ પણ આવી રહી હોય, હાલની બેન્ક પ્રક્રિયાઓ પર સૌની નજર છે.
જો કે, પ્રદેશ BJP આ પ્રકારની પસંદગીઓ ખાસ અને વિશિષ્ટ રીતે કરતું હોય, ચેરમેનપદ સહિતના પદો માટે હાલ કોઈ નામો ફિક્સ નથી. ઉપરથી જે નામો માટે વ્હીપ આપવામાં આવશે તેની તરફેણમાં મતદાન કરી બધાં પ્રકારની ફોર્માલિટીઝ પૂર્ણ કરી લેવામાં આવશે. એમ પણ શક્ય છે કે, પ્રદેશ કક્ષાએ આ નામો નક્કી પણ થઈ ચૂક્યા હોય. જો કે આજે બપોરે બે વાગ્યા આસપાસ આ માટે સેન્સનો કાર્યક્રમ ઈન્દીરા માર્ગ પર આવેલાં જિલ્લા BJPના હેડ કવાર્ટર અટલ ભવન ખાતે યોજવામાં આવ્યો છે. પ્રદેશ BJPના નેતા ભાનુભાઈ મહેતા કે જેઓ જામનગરના પ્રભારી પણ છે, તેઓ આ સેન્સ એકત્ર કરશે અને આ રિપોર્ટ પ્રદેશ એકમને સોંપશે, ત્યારબાદ ત્યાંથી નામોની યાદી જામનગર પહોંચી જશે અને 29મીની સભ્યોની બેઠકમાં આ નામોની જાહેરાત થઈ જશે, એવું હાલ સમજાઈ રહ્યું છે.
બેન્કના CEO તેમજ શહેરના પ્રાંત અધિકારીના આયોજન મુજબ, આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાઓ આગળ વધારવામાં આવી રહી છે તે દરમિયાન પક્ષ લેવલે બિનસતાવાર રીતે આ સેન્સ પ્રક્રિયા હાથ પર લેવામાં આવી છે કેમ કે, બેન્કની સતાવાર ચૂંટણી પ્રક્રિયા બિનપક્ષીય ધોરણે કરવાની હોય છે, જેમાં કોઇ જ રાજકીય બેનર કે ચૂંટણી પ્રતિકનો ઉપયોગ કરવાનો હોતો નથી.
-આ ચાર પદો માટે ચૂંટણીઓ….
જામનગર જિલ્લા સહકારી બેંકમાં નિયમાનુસાર, ચેરમેન ઉપરાંત વાઈસ ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર અને એપેક્સ બેંકના પ્રતિનિધિ એમ કુલ ચાર મુખ્ય પદો માટે આ ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ છે, જેથી જિલ્લાના રાજકારણમાં શિયાળામાં ધીમો ગરમાવો અનુભવવા મળી રહ્યો છે.