Mysamachar.in-જામનગર:
સરકાર નિવૃત શિક્ષકોને ફરીથી નોકરીઓ આપવા નિર્ણય કરે છે અને પછી વિરોધ થાય એટલે નિર્ણય પાછો ખેંચે- આ પ્રકારની સ્થિતિઓ વચ્ચે એક નિવૃત શિક્ષકે પોતાની રીતે ‘આત્મનિર્ભર’ બનવા પ્લાન અમલમાં મૂક્યો પણ તેનો આ પ્લાન ગુનાખોરીનો હોય, ઝડપાઈ ગયો છે.
જામનગર LCBએ ખંભાળિયાના કાંતિ ડાયા નકુમ નામના એક સસ્પેન્ડ શિક્ષકને બાટલાચોર તરીકે ઝડપી લઈ તેની પાસેથી 18 બાટલા કબજે લીધાં છે. આ શખ્સ 45 વર્ષની ઉંમરે નોકરીમાંથી નિવૃત અને ચોરી કરવામાં પ્રવૃત્ત છે ! જામનગર નજીકના દરેડ ખાતે તેણે એક અવાવરૂ ઓરડી રાખી છે જયાંથી આ બાટલા મળી આવ્યા છે. આ શખ્સ બાટલા સગેવગે કરવાની વેતરણ કરી રહ્યો હતો. જામનગર સહિતના કેટલાંક જિલ્લાઓની આંગણવાડીઓના બાટલા ચોરી લેવાના ગુનાઓ આ શખ્સ વિરુદ્ધ દાખલ થયેલા છે.
ખંભાળિયા તાલુકાના કોટા ગામની પ્રાથમિક શાળાનો આ શિક્ષક સસ્પેન્ડ થયા પછી નિવૃત હતો, તે દરમ્યાન તેના વિરુદ્ધ ચોરીના બે ગુનાઓ ખંભાળિયા પોલીસમાં અગાઉ દાખલ થયેલાં. આ શખ્સ ઝડપાઈ જતાં પોલીસે ચોરીના 26 ગુનાના ભેદ ઉકેલી લીધાં છે. આ શખ્સે ના માત્ર જામનગર પરંતુ દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જીલ્લાની આંગણવાડીઓમાં બાટલાઓની ચોરીને અંજામ આપ્યાનું એલસીબીની તપાસમાં ખુલવા પામ્યું છે.