Mysamachar.in:જામનગર
આજના સમયમાં પણ અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખનાર લોકોની કોઈ કમી નથી, અંધશ્રદ્ધાની આડમાં કેટલાય પરિવારોમાં કલેશ થાય છે અને હત્યા મારામારી સહિતના બનાવો સામે આવતા હોય છે, આવી જ વધુ એક ઘટના જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના પીપર ગામના પાટિયા પાસે રહેતા પરિવારમાં બનવા પામી છે જ્યાં પત્ની પર મેલીવિદ્યાની શંકાએ પતિએ પત્ની અને બાળકોના ગળા પર છરી ફેરવી પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યાની ઘટનાથી સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચી જવા પામી છે.હાલ માતા અને પુત્રની જામનગર જીજી હોસ્પીટલમાં સઘન સારવાર ચાલી રહી છે,
લાલપુર તાલુકાના નવી પીપર ગામના પાટિયા પાસે ભાટડા વાસમાં વસવાટ કરતા સોનીબેન તુલસીભાઈ અરજણભાઈ સોલંકી ઉં.વ 40 જેઓ ઘરકામ તથા મજૂરી અને પોતાના પરિવાર અને બાળકો સાથે અહી વસવાટ કરે છે, ગત સાંજના સુમારે સોનીબેનના પતિ તુલસી સોલંકીએ પોતાની પત્ની પર અવારનવાર ખોટા વહેમ કરી તેણી મેલી વિદ્યા જાણતી હોય અને તેણીએ મેલી વિદ્યા કરી હોવાનું કહી ઝઘડો કરી ફરિયાદીને જાનથી મારી નાખવાના ઇરાદે જીવલેણ છરી વડે હુમલો કરી ફરિયાદી સોનીબેનના ગળાના ભાગે છરી મારી પચ્ચીસેક ટાંકા આવેલની જીવલેણ ગંભીર ઇજા કરી તથા બંને હાથની આંગળીઓના ભાગે તથા હથેળીના ભાગે છરી વડે ઇજાઓ કરી તથા સોનીબેનને બચાવવા તેનો દીકરો હરેશ ઉંમર વર્ષ 11 વચ્ચે પડતા તેને પણ ગળાના ભાગે છરી વડે ગંભીર ઈજા કરી તથા જમણા હાથમાં આંગળીઓમાં તથા હથેળીમાં ઈજા કરી ભૂંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જે બાદ પોતે પોતાના હાથના ભાગે ઇજા કરી પોતે પણ પોતાના હાથે ગળાના ભાગે છરી વડે છરકા જેવી ઇજા કરી હોવાની ફરિયાદ લાલપુર પોલીસ મથકે જાહેર થઇ છે.