Mysamachar.in-રાજકોટ:
રાજકોટ શહેરના માધાપર ચોક પાસે આવેલી સીનર્જી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી અલ્પા ભુપતભાઈ જનકાત (ઉં.વ.26) નું શંકાસ્પદ મોત નીપજ્યું છે. માધાપર ચોક પાસે વરૂણ એપાર્ટમેન્ટમાં બીજા માળે રહેતી અને મૂળ ગીર સોમનાથની અલ્પા તેના જ ફ્લેટના બાથરૂમમાંથી બેભાન મળી આવ્યા બાદ સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ પરંતુ તેનું મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં રૂમમાંથી એક ખાલી ઇન્જેકશન પણ મળી આવ્યું છે. મોતનું કારણ જાણવા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પરંતુ કોઝ ઓફ ડેથ પેન્ડિંગ રખાયું છે અને વિસેરા લેવામાં આવ્યા છે.
મૃત્યુ પામનાર અલ્પા મૂળ ગીર સોમનાથની વતની હતી. તેનો એક ભાઇ મવડી તરફ રહે છે અને નોકરી કરે છે. પોલીસના કહેવા મુજબ અલ્પાબેનના રૂમમાંથી એક ખાલી ઇન્જેકશન પણ મળ્યું હતું. જોકે શરીર પર ઇન્જેકશન લીધાના નિશાન મળ્યા નથી. અલ્પાબેનના બંને સાથળ પર ચાંભા પડી ગયા હોય તેવા નિશાન જોવા મળ્યા હોય આ નિશાન શાના હોઇ શકે? તે અંગે પણ પોલીસે તપાસ યથાવત રાખી છે.હાલ પોલીસે મૃત્યુ પામનારના ભાઇ, રૂમ પાર્ટનર અને અન્ય નર્સોના નિવેદનો નોંધ્યા છે. જેમાં અલ્પાબેનને કોઇ તકલીફ હોવાનું સામે આવ્યું નથી. શંકાસ્પદ મૃત્યુ અંગે પોલીસે તપાસ યથાવત રાખી છે. પોસ્ટમોર્ટમ સહિતનો રીપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે.