Mysamachar.in-જામનગર:
જામનગર સહિતના 8 મહાનગરોમાં અદભૂત ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાઓ અને આધુનિક ટ્રાફિક મેનેજમેન્ટ ગોઠવવાની જવાબદારીઓ રાજ્ય સરકારે ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડને સોંપી છે. આ બોર્ડ હાલમાં ખાનગી કન્સલ્ટન્ટ મારફતે આ માટેની પ્રાથમિક કામગીરીઓ કરી રહ્યું છે. જો કે, હાલના તબક્કે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં રાજ્યની એક પણ મહાનગરપાલિકાને કોઈ જવાબદારીઓ સોંપવામાં આવી ન હોવાનું અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે.
રાજ્યના તમામ મહાનગરોમાં વિવિધ ચીજવસ્તુઓના વેરહાઉસ ક્યાં આવેલાં છે, આ પ્રકારના ગોદામોમાંથી ચીજોની હેરફેર સરળ કેવી રીતે બને, મહાનગરોના ટ્રાફિકની સમસ્યાઓ કેવી રીતે ઘટાડવી અને બધાં મહાનગરોમાં ટ્રાફિક મેનેજમેન્ટને કોમ્પ્યુટરાઈઝડ કેવી રીતે કરવું- વગેરે બાબતોનો GIDB અભ્યાસ કરી રહ્યું છે.
આ બધી બાબતોની ઝીણામાં ઝીણી વિગતો અને આંકડાકીય માહિતીઓ એકત્ર કરવા તેમજ ક્યા મહાનગરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ભવિષ્યની જરૂરિયાતો ધ્યાનમાં રાખી, હાલ શું કરવું જોઈએ-વગેરે બાબતોનો કન્સલ્ટન્ટ કંપની અભ્યાસ કરી રહી છે. જામનગર મહાનગરપાલિકાના અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે, GIDB જામનગરમાં પણ આ પ્રકારનો સર્વે કરી ચૂકી છે. હવે આગળની કાર્યવાહીઓ અને કામગીરીઓ ગાંધીનગરથી થશે. વધુમાં જાણવા મળે છે કે, હાલના તબક્કે જામનગર સહિતના મહાનગરોની મહાનગરપાલિકાઓને આ કામગીરીઓ બાબતે કોઈ જવાબદારીઓ સોંપવામાં આવી નથી.
જો કે, જાણકારોના મતે દરેક મહાનગરના લોજિસ્ટીક તથા ટ્રાફિક બાબતે સ્થાનિક સંસ્થાઓ વધુ અને ચોક્કસ જાણકારીઓ ધરાવતી હોય છે. પોતાના શહેરની ખાસિયતો આ સ્થાનિક સંસ્થાઓ વધુ સારી પેઠે જાણતી હોય છે. આ સ્થાનિક તંત્રોને દૂર રાખી, રાજ્યકક્ષાની કોઈ એજન્સી કોઈ શહેરને, શહેરના ભાવિ વિકાસને કેવી રીતે પિછાણી શકે ? એ સવાલ પણ મહત્વપૂર્ણ છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, આ અગાઉ પણ આ પ્રકારનો અભ્યાસ અને અહેવાલ રાજ્યકક્ષાએથી જાહેર થયા બાદ ઘણાં સમય સુધી આ સંબંધે કોઈ ફોલોઅપ જોવા મળતું ન હતું. દરમ્યાન, ગાંધીનગરથી વધુ એક વખત આ અહેવાલ વહેતો થયો છે. મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ અને આગામી વિધાનસભા ચૂંટણીને લક્ષમાં લઈ આ ગતકડું ફરીથી વહેતું કરવામાં આવ્યું હોય, એમ પણ બની શકે- જાણકારો આવી શકયતાઓ પણ વ્યક્ત કરી રહ્યા છે.