Mysamachar.in:જામનગર
સમગ્ર રાજ્યમાં પંચાયતો હસ્તકનાં આરોગ્ય કર્મચારીઓને આપવામાં આવી રહેલાં સર્વેલન્સ ભથ્થાં સંબંધે હાલ ગોટાળો થયાનું જાણવા મળે છે. સરકારે આ સંબંધે અગાઉ જે પરિપત્ર કરેલો તે પરિપત્ર અંગે હવે સ્પષ્ટીકરણ આવશે ! કેટલાંક જિલ્લાઓમાં સરકારની આ પ્રક્રિયા સંદર્ભે રોષ-નારાજગીની લાગણી જોવા મળી રહી છે. વિધાનસભા ચૂંટણી પહેલાં જામનગર સહિત રાજ્યભરમાં પંચાયતો હસ્તકનાં આરોગ્ય કર્મચારીઓએ હડતાળ જાહેર કરી હતી. પાટનગર ગાંધીનગરમાં પણ દેખાવો થયાં હતાં. ચૂંટણી પહેલાંનો સમય હોય, સરકારે જેતે સમયે આ આરોગ્ય કર્મચારીઓને સર્વેલન્સ ભથ્થું આપવા અંગે પરિપત્ર કરી, આંદોલનને વિખેરી નાખ્યું હતું.
ત્યારબાદ આ પરિપત્ર અનુસાર, આ આરોગ્ય કર્મચારીઓને નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં સર્વેલન્સ ભથ્થાં પેટે રૂ. 4000 દર મહિને ચૂકવવામાં આવ્યા.સરકારનાં પરિપત્રમાં એ સ્પષ્ટતા ન હતી કે, આ ભથ્થું તમામ આરોગ્ય કર્મચારીઓને આપવું કે નહીં ?! આ સ્પષ્ટીકરણનાં અભાવે કેટલીક જિલ્લા પંચાયતોએ ફિક્સ પગાર ધરાવતા કર્મચારીઓને પણ બે મહિના સુધી દર મહિને રૂ. 4 હજારનું આ ભથ્થું ચૂકવી આપ્યું. જો કે જામનગર સહિતની કેટલીક જિલ્લા પંચાયતોએ ફિક્સ પગાર ધરાવતા કર્મચારીઓને આ ભથ્થું આપ્યું નથી. જે જિલ્લા પંચાયતોએ ફિક્સ પગાર ધરાવતા કર્મચારીઓને ભથ્થું આપ્યું છે ત્યાં હવે રિકવરીનાં આદેશો થયા છે !
હવે સરકાર આ પરિપત્ર અંગે સ્પષ્ટીકરણ જાહેર કરશે, ત્યારબાદ આ ભથ્થું કોને કોને મળી શકે ? તે અંગે સ્પષ્ટતા થશે. આ મુદ્દે Mysamachar.in દ્વારા જામનગર જિલ્લા પંચાયતનાં આરોગ્ય કર્મચારી સંઘનાં અગ્રણી વજુભા જાડેજા સાથે વાત કરવામાં આવી હતી. તેઓએ કહ્યું: જામનગરમાં આ પ્રકારની રિકવરીનો કોઈ પ્રશ્ન નથી. ફિક્સ પગાર ધરાવતા કર્મચારીઓને ભથ્થું આપવામાં આવ્યું જ નથી. સરકાર પરિપત્ર અંગે સ્પષ્ટીકરણ આપશે તે પ્રમાણે જામનગર જિલ્લા પંચાયતમાં અમલ થશે. હાલ જામનગરમાં આવો કોઈ પ્રશ્ન નથી. જાણકારોને આશ્ચર્ય એ છે કે, બે અઢી મહિના પહેલાં, સરકાર ભથ્થાં સંબંધે પરિપત્ર કરે, હડતાળ ખતમ થાય, અને બે અઢી મહિના પછી, પરિપત્રનાં આધારે થયેલાં ચૂકવવાની રિકવરી થાય. અને, ગૂંચ સર્જાતા આટલાં લાંબા સમય બાદ પરિપત્ર અંગે સ્પષ્ટીકરણ કરવું પડે ! આ આખો મુદ્દો સરકારપક્ષે એક પ્રકારનું અચરજ લેખાવી શકાય. આ આખા મામલામાં હાલ ફિક્સ પગાર ધરાવતા કર્મચારીઓ રોષ અને નારાજગી દર્શાવી રહ્યા છે.