Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
હોસ્પિટલ એવું ઈમરજન્સી સ્થળ છે જેની ચોવીસ કલાકમાં ગમે ત્યારે, ગમે તેને જરૂર પડતી હોય છે. કલ્પના કરો, સરકારી હોસ્પિટલને તાળું લાગેલું હોય, દર્દીઓ કેવાં પરેશાન થાય ?! જગવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં આ અચરજ જોવા મળે છે !! દ્વારકાની હોસ્પિટલમાં છેલ્લાં પાંચેક વર્ષથી આ પ્રકારની ગંભીર હાલત વારંવાર જોવા મળે છે ! આ સરકારી હોસ્પિટલમાં સરકાર ‘કાયમી’ તબીબોને નિમણૂંક આપવાની જવાબદારી નિભાવવાનું અન્ય વ્યસ્તતાઓને કારણે ભૂલી ગઈ હોય, તેવી દર્દનાક સ્થિતિ છે ! અહીં વર્ષોથી ઇન્ચાર્જ તબીબોને સહારે ગાડું ગબડાવવામાં આવે છે ! હંગામી તબીબોની આ સમસ્યા કાયમી બની ચૂકી છે !
આ પ્રકારના હંગામી તબીબ જ્યારે રજા પર હોય, સરકારી હોસ્પિટલને તાળું ! કલ્પના કરો, તબીબની ગેરહાજરીમાં દર્દીઓની હાલત શું થાય ?! સમગ્ર તાલુકાના 45 ગામોનાં ગ્રામજનો આ હોસ્પિટલનાં આસરે છે ! આ હજારો ગ્રામજનોની કેવી માઠી ?! હોસ્પિટલને તાળું લાગેલું હોય ત્યારે, દર્દીઓએ ખિસ્સામાં નાણાં હોય કે ન હોય, ખાનગી હોસ્પિટલોમાં જવું જ પડે ! અને, જે દર્દીઓને ઈમરજન્સી સ્થિતિમાં, 108 માં આવા સમયે હોસ્પિટલમાં ખસેડવામાં આવે અને હોસ્પિટલનાં દરવાજે તાળું લટકતું હોય ! કેવી કરૂણ હાલત થાય ?!
-હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ શું કહે છે ?
દેવભૂમિ દ્વારકા હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. ચંદારાણા કહે છે: અમારે ત્યાં કોઈ કાયમી મેડિકલ ઓફિસર ફેબ્રુઆરી-2018થી નથી. આ પ્રકારની સમસ્યા અવારનવાર થાય છે. અહીં બોન્ડેડ તબીબને ફરજ સોંપવામાં આવે છે, તેઓ પોતાની જવાબદારીઓ પ્રત્યે ગંભીર હોતાં નથી. રજાઓ પર જતાં રહે છે. તેઓનાં વિકલ્પરૂપે અમારે પોરબંદર, જામરાવલ, કલ્યાણપુર કે જામનગર જીજી હોસ્પિટલમાંથી ડોક્ટરને બોલાવવા પડે છે. કોઈ ડોક્ટર ન આવે અથવા આવ્યા પછી એકાદ બે દિવસમાં જતાં રહે ત્યારે, હોસ્પિટલની ઈમરજન્સી સેવાઓ (પ્રસૂતિ, અકસ્માત, મારામારીમાં ઈજાઓ વગેરે) ખોરવાઈ જાય છે. હું સુપ્રિટેન્ડેન્ટ અને સર્જન છું છતાંય તબીબોની આવી ગેરહાજરીમાં ઓપીડી જોઉં છું.
આ ઉપરાંત સુપ્રિટેન્ડેન્ટ તરીકે મારે વહીવટી જવાબદારીઓ પણ નિભાવવાની હોય છે. ડોક્ટરની ગેરહાજરી સંદર્ભે રાજકોટ કચેરીને જાણ કરવામાં આવે છે, તેઓ અન્ય ડોક્ટરને અહીં હાજર થવા હુકમ પણ કરે છે પરંતુ જે કિસ્સામાં કોઈ ડોક્ટર હાજર ન થાય ત્યારે પરેશાનીઓ ઉભી થાય છે. પાંચ વર્ષથી આ પ્રકારની ગંભીર સ્થિતિ છે. અનેક રજૂઆતો છતાં આ સમસ્યાનો ઉપાય મળ્યો નથી. યાત્રાધામ દ્વારકામાં અચરજ..! સિવિલ હોસ્પિટલને તાળું!