Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં રાજ્ય બહારના હજારો પરિવારો વસવાટ કરે છે. શહેરમાં હિન્દી ભાષામાં શિક્ષણ આપતી સરકારી પ્રાથમિક શાળા માત્ર એક છે. અને, આ શાળા પણ ગમે ત્યારે બંધ થઈ જશે કારણ કે, શાળામાં શિક્ષકો નથી ! શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં શિશુવિહાર હિન્દી પ્રાથમિક સ્કૂલ આવેલી છે. સરકારના નિયમ અનુસાર આ સ્કૂલ ભાષાકીય લઘુમતી શ્રેણીમાં નોંધાયેલી ગ્રાન્ટેડ સરકારી પ્રાથમિક શાળા છે, જેમાં બાલવાટિકાથી માંડીને ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય. આ શાળામાં હિન્દી ભાષામાં શિક્ષણ આપવામાં આવે છે અને આ શાળામાં હાલ 431 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
આ શાળાના સંચાલક હિન્દી સમાજે ગાંધીનગર શિક્ષણ વિભાગને પત્ર લખ્યો છે. આ પત્રમાં જણાવાયું છે કે, આ શાળામાં સરકારના મહેકમ મુજબ 9 શિક્ષકો હોવા જોઈએ. પરંતુ અત્યાર સુધીમાં અન્ય શિક્ષકો નિવૃત થઈ ગયા હોય, 2015ની સાલથી એટલે કે પાછલાં 10 વર્ષથી આ સ્કૂલમાં માત્ર 1 જ શિક્ષક છે. 8 શિક્ષકની જગ્યાઓ દસ વર્ષથી ખાલી છે !
સંચાલકો કહે છે: સરકારમાં વખતોવખત રજૂઆતો છતાં સરકાર દ્વારા આ સ્કૂલને શિક્ષકો કે વિદ્યા સહાયકો આપવામાં આવ્યા નથી. આ શાળાને આજદિન સુધી કરાર આધારિત જ્ઞાન સહાયકો પણ આપવામાં આવ્યા નથી. આથી જો જૂન-2026 સુધીમાં આ સ્કૂલને શિક્ષકો આપવામાં નહીં આવે તો, આગામી જૂનથી આ સ્કૂલ બંધ કરવાની ફરજ પડશે, એમ સંચાલકોએ સરકારને પત્રમાં લખ્યું છે.