Mysamachar.in:ગુજરાત
છેલ્લાં કેટલાંક વર્ષોથી સાયબર ક્રાઇમ શબ્દો હવામાં બહુ ઉછળી રહ્યા છે. ત્યારે સૌને અચરજ એ વાતનું છે કે, આટઆટલી જાગૃતિ તથા પોલીસ વિભાગ દ્વારા સતત કાર્યવાહીઓ છતાં સાયબર ગુનાઓ સતત વધી શા માટે રહ્યા છે ?! ગુનાઓની સંખ્યા તથા આરોપીઓની ધરપકડો દેખાડવા માટે, ચોક્કસ કારણોસર, અધિકારીઓમાં સ્પર્ધા ચાલી રહી છે ?! એવી પણ એક ચર્ચા છે ! ચર્ચાઓ અલગ મેટર છે પરંતુ હકીકત એ છે કે, રેકર્ડ પર સાયબર ગુનાઓની સંખ્યા સતત વધી રહી છે !
વર્ષ 2021 અને વર્ષ 2022 નાં સાયબર ક્રાઇમ રિલેટેડ આંકડા તાજેતરમાં જાહેર થયા છે. આ આંકડા કેન્દ્ર સરકારનાં નાણાં મંત્રાલયનાં રિપોર્ટમાં જણાવવામાં આવ્યા છે. આ રિપોર્ટ સંસદીય સમિતિ સમક્ષ મૂકવામાં આવ્યો છે. રિપોર્ટ કહે છે : 2021ની સરખામણીએ સાયબર ક્રાઇમમાં ફસાયેલી રકમ 2022 માં લગભગ બમણી થઈ ગઈ છે ! આરોપીઓ વધુ સક્રિય થયાં છે ? નવા આરોપીઓ ઉભરી રહ્યા છે ? સાયબર ક્રાઇમ સંબંધિત આટલાં સમાચારો છતાં લોકો શા માટે ગુનાનો ભોગ બની રહ્યા છે ? શા માટે વધુને વધુ લોકો લલચાય રહ્યા છે ?! વગેરે પ્રશ્નો સપાટી પર આવ્યા છે.
2022માં એટીએમ ફ્રોડ, સાયબર ક્રાઇમ તથા નાણાંકીય છેતરપિંડીના કેસોમાં 65 ટકાનો રાક્ષસી ઉછાળો નોંધાયો છે ! સંબંધિત સુરક્ષા એજન્સીઓ શું કરી રહી છે ? સિસ્ટમમાં આટલાં મોટાં પ્રમાણમાં ખામીઓ છે ?! સિસ્ટમમાં જરૂરી ફિલ્ટર વધારવામાં આવ્યા નથી ?! આપણી સુપરવિઝન, સર્વેલન્સ ક્ષમતા મજબૂત નથી ?! વગેરે ચિંતાજનક પ્રશ્નો પડકારના રૂપમાં ઉભરી આવ્યા છે. સાયબર સિક્યોરિટી અંગે સેમિનારો, નિવેદનો, વાતો અને સરકારી સ્તરે ભલામણો થતી રહે છે પરંતુ સાયબર ક્રાઇમ અટકાવવા, આરોપીઓને શોધી કાઢવા તથા આરોપીઓને સજાના તબક્કા સુધી પહોંચાડવાની કામગીરીમાં તંત્રો હજુ ખાસ ચબરાક બની શક્યા નથી !
સંસદીય સમિતિનાં ચેરમેન જયંત સિંહાએ આ રિપોર્ટ જાહેર કર્યો છે. સાયબર સિક્યોરિટી, વધતાં જતાં ગુનાઓ, વ્હાઈટ કોલર ક્રાઈમ વગેરે શબ્દોનો ઉપયોગ કરીને આ રિપોર્ટનું નામ લાંબુલચક બનાવવામાં આવ્યું છે. રિપોર્ટનું નામ ભલે લાંબુ રહ્યું પણ એટલાં નોંધપાત્ર પ્રમાણમાં સાયબર સિક્યોરિટી ક્ષેત્રમાં કામ થતું નથી ! એ હકીકત છે. કરોડો લોકો સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે. આટલાં ઉહાપોહ પછી પણ લાખો લોકો આ આગમાં કૂદી પડે છે ! દાઝે છે અને દાઝી ગયાની ચીસો પાડે છે !
રિપોર્ટ અનુસાર, 2021 માં આ ગુનાઓની સંખ્યા 10.80 લાખ હતી. ફસાયેલી રકમ રૂ.1,119 કરોડ હતી. 2022 માં આ ગુનાઓની સંખ્યા 17.80 લાખ અને રકમ રૂ.2,113 કરોડ જાહેર થઈ ! લોકો પાસે છેતરાઈ જવા, નાણાં વધી રહ્યા છે ?!






