Mysamachar.in-સુરત
સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા અને હીરા દલાલીનું કામ કરતા યુવાનની તેના મિત્ર અને હીરા વેપારીએ કરપીણ હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે, હીરા દલાલે એક હીરા વેપારીના મહિલા સાથે અંગતપળોનો વીડિયો બનાવી બ્લેકમેલ કરતો હોવાની વાત સામે આવી છે. જે બાદ હીરા દલાલને ગઈકાલે કારખાનામાં મળવા માટે બોલાવી હત્યા કરી નાખી છે.સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા અંબિકા પાર્ક સોસાયટીમાં રહેતા અને મહીધરપુરા હીરા બજારમાં હીરા દલાલીનું કામ કરતા કાંતિભાઈ રાખોલી બપોર બાદ ગુમ થયાનું માલુમ પડતા પરિવારે આ મામલે કતારગામ પોલીસમાં ફરિયાદ આપી હતી. આ દરમિયાન મોડી રાત્રે એક યુવાને કતારગામ પોલીસ મથકે આવીને પોલીસને જાણકારી આપી હતી તેનું નામ આશિષ છે. તેના પિતરાઈ ભાઈ જે બપોરથી ગુમ છે તેની હત્યા તેના મિત્ર સંદીપે કરી નાખી છે. તેમજ કતારગામ ગોટાલાવાડીમાં આવેલા બારડોલીયા પ્લોટમાં આવેલ સી/રઘુનંદન એપાર્ટમેન્ટના ત્રીજા માળે તેમની લાશ સંતાડી છે. બનાવ સ્થળે કાંતિભાઈએ પહેરેલા કપડાં અને તેમનું બાઇક સગેવગે કરવા સારૂ સંદીપભાઈ મને સોંપતા હું કામરેજ તરફ મૂકી આવ્યો છું.
આ બનાવમાં આશિષને પસ્તાવો થતા પોલીસ સ્ટેશનમાં પહોંચીને આ પ્રકારની જાણકારી આપી હતી. જે બાદમાં પોલીસે કતારગામ વિસ્તારમાં લક્ષ્મી રેસિડન્સી ગજેરા સ્કૂલ પાસે રહેતા હીરા વેપારી સંદીપભાઇ પટેલની અટકાયત કરી હતી. આરોપીની પૂછપરછ કરતા ચારથી સાડા ચાર વાગ્યાના સુમારે કાંતિભાઇ આરોપી સંદીપને મળવા તેમના કારખાનામાં નીચે ગયો હોવાનું માલુમ પડ્યું હતું. આરોપીએ જણાવ્યું હતું કે, કાંતિભાઈના મોબાઇલમાં મારો એક સ્ત્રી સાથેનો અંગતપળોનો વીડિયો હતો. તેઓ આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરતા હતા. જે બાદમાં આરોપી સંદીપે કાંતિભાઈને કારખાનામાં નીચેના ભાગેથી ત્રીજા માળે ઉપર એકાંતમાં લાવી તેમનું કાયમના માટે કાશળ કાઢી નાખવાના ઇરાદે ગડદાપાટુનો માર મારી ગળું દબાવી હત્યા કરી નાખી હતી.
મૃતકના પરિવારનો આક્ષેપ…
આરોપીની કબૂલાત બાદ પોલીસ બનાવની જગ્યા પર પહોંચી હતી અને મૃતક કાંતિભાઈની લાશનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી. મૃતક કાંતિભાઈના પરિવારનો આક્ષેપ છે કે આજથી ચાર મહિના પહેલા કાંતિભાઈએ રૂપિયા ચાર લાખના હીરા સંદીપને આપ્યા હતા. પરંતુ સંદીપ હીરાનું પેમેન્ટ આપતો ન હતો અને હીરા પણ પરત આપતો ન હતો. જેથી કાંતિભાઈ સતત ઉઘરાણી કરતા હતા. હીરાનું પેમેન્ટ ન આપવું પડે તે માટે હત્યા કર્યાનો પરિવારે આક્ષેપ લગાવ્યો છે. પોલીસે આ કેસમાં આરોપી સંદીપ અને હત્યામાં મદદ કરનાર આશિષની ધરપકડ કરીને અને હત્યાને જોડતી કડીઓ મેળવવા નું શરુ કર્યું છે.