Mysamachar.in-ગુજરાત:
જામનગર-રાજકોટ સહિત સમગ્ર રાજ્ય અને દેશમાં પ્રાણઘાતક અકસ્માતોની અને તેમાં થતાં મોત તેમજ ઘાયલોની સતત વધતી જતી સંખ્યા- સમગ્ર દેશમાં ગંભીર ચિંતાઓનો વિષય બની ગયો છે. ખુદ સુપ્રિમ કોર્ટ પણ આ બાબતે અતિ ગંભીર છે. અને, ગુજરાત સહિત બધાં જ રાજ્યોને આ બાબતે નિયત સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહીઓ કરવા સૂચનાઓ આપી છે.
સુપ્રિમ કોર્ટે દેશમાં માર્ગ અકસ્માતોના વધતા જતાં કિસ્સાઓમાં ઘાયલોને તાત્કાલિક મદદ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે તમામ રાજ્યોને આ માટે ખાસ પ્રોટોકોલ છ મહિનાની અંદર ઘડી કાઢવા સૂચનાઓ આપી છે.જસ્ટિસ અભય એસ. ઓકા તથા જસ્ટિસ ઉજ્જવલ ભૂઈયાની ખંડપીઠે આ મુદ્દાને ગંભીર જાહેર વિષય ગણાવ્યો છે. અકસ્માત પિડીતોને સમયસર મદદ મળી શકતી ન હોવાની બાબતને ચિંતાનો વિષય લેખાવવામાં આવ્યો છે. સુપ્રિમ કોર્ટે કહ્યું: આ માટેનો રિપોર્ટ તમામ રાજ્યની સરકારોએ નિયત સમયમાં અદાલતના રેકર્ડ પર પેશ કરવાનો રહેશે.

માર્ગ અકસ્માત સાથે સંકળાયેલા અન્ય એક નિર્દેશમાં અદાલતે કહ્યું કે, વાહનચાલકોની વર્કિંગ સ્થિતિઓ અંગે પણ ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે. મોટર વાહન કાયદાઓનું ઉલ્લંઘન પણ અકસ્માતોનું કારણ બનતું હોય છે. આથી, અદાલતે કેન્દ્રીય પરિવહન મંત્રાલયને કહ્યું છે કે, આ માટે રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંકલન કરી એક્શન પ્લાન બનાવવો જરૂરી છે.
સુપ્રિમ કોર્ટે એવી પણ ટિપ્પણી કરી છે કે, કાયદા અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહીઓનો અસરકારક અમલ ન થાય ત્યાં સુધી નિયમપાલન મુશ્કેલ છે. ઓગસ્ટ અંત સુધીમાં બધાં રાજ્યોએ એકશન ટેકન રિપોર્ટ કેન્દ્રને આપવો પડશે અને મંત્રાલય તેના આધારે પોતાનો રિપોર્ટ સુપ્રિમ કોર્ટને આપશે.