Mysamachar.in-અમદાવાદ:
સુપ્રિમ કોર્ટે એક એવો ચુકાદો આપ્યો છે કે, કોઈ પણ જિવન વીમા પોલિસીના ધારકે પોલિસી ખરીદતી વખતે જો દારૂ પીવાની આદત છૂપાવી હોય તો, વીમા કંપનીઓ દારૂ સંબંધિત હેલ્થ કલેમ નકારી શકે છે. સુપ્રિમ કોર્ટે આ કેસમાં, કંપનીના એ નિર્ણયનો સ્વીકાર કર્યો હતો જેમાં કંપનીની યોજના હેઠળ એક પોલિસીધારકના હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાનના હેલ્થ કલેમને નકારી કાઢવામાં આવ્યો હતો. આ પોલિસીધારકે પોતાની દારૂ પિવાની આદત અંગે વીમાકંપનીને ખોટી માહિતીઓ આપી હતી.
સુપ્રિમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથના નેતૃત્વ હેઠળની બેન્ચે આ ચુકાદો આપ્યો. રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચના આદેશ વિરુદ્ધ વીમા કંપનીએ આ કેસમાં અપીલ દાખલ કરી હતી. જેમાં સુપ્રિમ કોર્ટમાં વીમા કંપનીની તરફેણમાં ચુકાદો આવ્યો છે. આ કેસમાં પોલિસી લેનાર વ્યક્તિનું એક મહિના સુધી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
વીમા કંપનીએ આ પુરૂષની પત્નીનો દાવો એ આધાર પર નકારી કાઢ્યો કે, તેણે તેની દારૂ પીવાની આદત વિષે માહિતીઓ છૂપાવી હતી. અદાલતે ‘જિવન આરોગ્ય’ યોજના હેઠળ એક પોલિસીધારકના હોસ્પિટલાઈઝેશન ખર્ચની ભરપાઇ ન કરવાના ભારતીય જિવન વીમા નિગમના નિર્ણયનું સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે, દારૂના વ્યસનનો ખુલાસો કરવો જરૂરી છે. LICએ દલીલ કરી હતી કે, પોલિસીધારકે પોતાની દારૂ પિવાની આદત અંગે ખોટી માહિતીઓ રજૂ કરી હતી.
આ કેસમાં એક વ્યક્તિએ વર્ષ 2013માં ‘જિવન આરોગ્ય’ યોજના અંતર્ગત એક પોલિસી ખરીદી હતી. પોલિસી હેઠળ જો પોલિસીધારકને નોન-ICUમાં દાખલ કરવામાં આવે તો LIC એ હોસ્પિટલમાં દરરોજ રૂ. 1,000 અને જો ICU માં દાખલ કરવામાં આવે તો રોજ રૂ. 2,000 ચૂકવવા પડે. પોલિસી ખરીદ્યા બાદ આ પોલિસીધારકને એક વર્ષ પછી પેટના દુ:ખાવાના કારણસર દાખલ કરવામાં આવેલ હતાં. અને એક મહિનાની સારવાર બાદ તેનું મોત થયું હતું. પોલિસીધારકની પત્નીએ દાખલ કરેલો દાવો LIC એ ફગાવી દીધો હતો.
જિવન આરોગ્ય યોજનાના ક્લોઝ 7(xi) ને ટાંકીને LIC એ જણાવ્યું કે, આ યોજના ‘ આત્મનુકસાન, આત્મહત્યાનો પ્રયાસ અને કોઈ પણ માદક દ્રવ્યો અથવા દારૂનો ઉપયોગ કે દુરુપયોગ અને તેનાથી ઉત્પન્ન જટિલતાઓને કવર કરતી નથી.’
અત્રે ઉલ્લેખનિય છે કે, આપણો સૌનો સામાન્ય અનુભવ એવો રહ્યો છે કે, LICની વિવિધ જિવનવીમા પોલિસી ખરીદતી વખતે કંપની દ્વારા પોલિસી ખરીદનારનું મેડિકલ ચેકઅપ થતું હોય છે, જેમાં હ્રદય અને ફેફસા વગેરે સંબંધિત રોગોની મહત્વપૂર્ણ તપાસ થતી હોય છે અને LIC માન્ય આરોગ્ય પ્રમાણપત્ર તૈયાર થયા બાદ જ જેતે વ્યક્તિને સંબંધિત પોલિસીનું વેચાણ થતું હોય છે. આ સ્થિતિઓ વચ્ચે ઉપરોકત ચુકાદાની વધુ વિગતો જાણવી આવશ્યક રહે. હાલમાં આટલી જ વિગતો જાહેર થઈ છે.