Mysamachar.in-જામનગર:
જામનગરમાં થોડાં સમય અગાઉ કોંગ્રેસના કોર્પોરેટર અલ્તાફ ખફીની આગેવાની હેઠળના એક ટ્રસ્ટ દ્વારા યોજાયેલા સમૂહલગ્નનો એક વીડિયો અને તેની સાથે એક ‘કવિતા’નો ઓડિયો સમાચારમાં ચમકયો હતો અને તે સંબંધે એક FIR જામનગર પોલીસમાં દાખલ થયેલી. આ મામલો ગુજરાત હાઇકોર્ટમાં ગયા બાદ ત્યાંથી મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રિમ કોર્ટે આ મામલે કરેલી ટીપ્પણીઓમાં ગુજરાત(જામનગર) પોલીસ વિષે પણ કહેવાયું છે.
સાંસદ ઈમરાન પ્રતાપગઢી દ્વારા ગત્ બીજી જાન્યુઆરીએ આ વીડિયો સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર અપલોડ કરવામાં આવેલો અને ઓછા કલાકોમાં આ વીડિયોને લાખો વ્યૂ પ્રાપ્ત થયા હતાં. ત્યારબાદ આ વીડિયો સંબંધે જામનગર પોલીસમાં એક FIR દાખલ થયેલી. પોલીસે ઈમરાન પ્રતાપગઢી અને અલ્તાફ ખફી વિરુદ્ધ વિવિધ કલમો લગાડી હતી અને ફરિયાદની વિગતોને કારણે આ મામલો ચર્ચાઓમાં આવ્યો હતો.

ત્યારબાદ, આ ફરિયાદ રદ્દ કરાવવા ઈમરાન પ્રતાપગઢી ગુજરાતની વડી અદાલત સમક્ષ ગયા હતાં. તેમણે અદાલતમાં દલીલ કરી હતી કે, એમનો મકસદ શાંતિ અને પ્રેમને પ્રોત્સાહિત કરવાનો હતો. જો કે જસ્ટિસ સંદીપ ભટ્ટની ખંડપીઠે આ ફરિયાદ રદ્દ કરવાનો ઈન્કાર કરતાં કહેલું કે, તપાસનો હાલ પ્રાથમિક તબક્કો છે. ઈમરાન પ્રતાપગઢી એક સાંસદ છે, એમણે જવાબદારી સાથે વર્તન કરવું જોઈએ અને કાનૂની પ્રક્રિયાઓનું પાલન કરવું જોઈએ એમ પણ અદાલતે કહેલું.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ મામલામાં જામનગર પોલીસે BNS ની કલમ 196 અને 197 જોડી હતી. આ કલમો અંતર્ગત પાંચ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. આ મામલો કાલે સોમવારે સુપ્રિમ કોર્ટમાં ચાલ્યો. સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારને સલાહ આપી કે, સરકારે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઈમરાન પ્રતાપગઢી વિરુદ્ધ થયેલા કેસ પર વિચાર કરવો જોઈએ. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત્ 21 જાન્યુઆરીએ સુપ્રિમ કોર્ટે ઈમરાન પ્રતાપગઢીને આ મામલામાં વચગાળાની રાહત પણ આપી હતી અને આ મામલામાં હાલ કોઈ પણ પ્રકારની કાર્યવાહીઓ ન કરવા જામનગર પોલીસને કહેલું. જસ્ટિસ અભય ઓકાની ખંડપીઠે આ મામલે ગુજરાત સરકાર અને ફરિયાદી કિશન નંદાને નોટિસ પણ આપેલી.
ત્યારબાદ કાલે 10 ફેબ્રુઆરીએ વધુ એક વખત આ મામલો સુપ્રિમ કોર્ટમાં સુનાવણી માટે આવ્યો. તે સમયે ગુજરાત સરકારના વકીલે આ મામલે જવાબ દાખલ કરવા સમયની માંગ કરી. સુપ્રિમ કોર્ટે આ સમય આપતાં કહ્યું કે, જે કવિતા બાબતે આ FIR દાખલ કરવામાં આવી છે, તે કવિતાનો સાચો અર્થ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. આ કવિતા કોઈ ધર્મની વિરુદ્ધ કહેવામાં આવી નથી. કવિતાનો હેતુ અહિંસાની વાત કરવાનો હતો.
સુપ્રિમ કોર્ટમાં આ મામલાની સુનાવણી 3 સપ્તાહ બાદ થશે. જસ્ટિસ ઓકાએ ગુજરાત સરકારના વકીલને આ સુનાવણીમાં એમ પણ કહેલું કે, મહેરબાની કરી કવિતા સમજવા મગજનો ઉપયોગ કરો. કેમ કે, આખરે તો સર્જનાત્મકતા પણ મહત્ત્વપૂર્ણ છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, જેતે સમયે તપાસનીશ અધિકારીએ ઈમરાન પ્રતાપગઢીને બે વખત નોટિસ મોકલી તપાસના કામે હાજર રહેવા જણાવેલું પરંતુ તે એક પણ વખત તપાસનીશ અધિકારી સમક્ષ પેશ થયા ન હતાં.
