Mysamachar.in-અમદાવાદ:
સૌ જાણે છે એમ, ઘણાં બધાં આર્થિક ગુનાઓ અને અન્ય ક્રૂર બનાવોમાં આરોપી કે આરોપીઓ લાંબા સમય સુધી ભાગતા ફરતાં હોય છે અને ઘણાં કિસ્સાઓમાં, આ આરોપીઓ પછીથી આગોતરા જામીન મેળવી ધરપકડથી બચી જતાં હોય છે. આ પ્રકારના એક કેસમાં સુપ્રિમ કોર્ટે વિશેષ સ્પષ્ટતાઓ સાથે એક આરોપીને મળેલી આગોતરા જામીનની મંજૂરી રદ્દ કરી નાંખી અને આ આગોતરા જામીન જે અદાલતે આપેલા તે અદાલત સંબંધે પણ ટિપ્પણીઓ કરી.
સુપ્રિમ કોર્ટે આ મામલામાં કહ્યું કે, આગોતરા જામીન વિશેષ અધિકાર છે પણ નિયમ નથી. આગોતરા જામીન એવા લોકોને જ આપી શકાય જેઓ કાયદાને માન આપતા હોય. આ મામલામાં સુપ્રિમ કોર્ટે જણાવ્યું કે, આ આરોપી 2022થી વોરંટનો અમલ કરવાથી ભાગતો ફરતો હતો. ત્યારબાદ 2023માં તેને વડી અદાલતમાંથી જામીન મળેલ હતાં. અહીં સુપ્રિમ કોર્ટે એ વાત પર પણ જોર આપ્યું કે, જ્યારે આરોપી સામે ધરપકડ વોરંટ જાહેર થઈ ગયું હોય કે તેને ભાગેડુ જાહેર કરવાની કાર્યવાહીઓ શરૂ થઈ ગઈ હોય, તો આવી સ્થિતિઓ સમયે અદાલતો આરોપીને આગોતરા જામીન આપવાની પોતાની અસાધારણ શક્તિઓનો ઉપયોગ કરી શકે નહીં.
સુપ્રિમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરતા કહ્યું કે, કોઈ પણ આરોપી જો વોરંટ સર્વિસમાં અડચણ ઉભી કરે છે અને કેસની કાર્યવાહીઓથી ભાગે છે તેને વચગાળાના જામીનનો અધિકાર મળતો નથી. અદાલતે એમ પણ કહ્યું કે, મામલાની તપાસ બાદ જ્યારે અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવે છે ત્યારે આરોપીને સમન કે વોરંટ ઈસ્યુ કરવામાં આવે છે તો તે આરોપી કાયદાને આધીન સરેન્ડર કરવા બંધાયેલ છે.
જો તે ખુદને છૂપાવે છે કે અને કાયદા સામે રજૂ થતાં નથી તો તેમને આગોતરા જામીનનો લાભ ન આપવો જોઈએ. ખાસ કરીને, જયારે અદાલત તેને પહેલી નજરે ગંભીર આર્થિક અપરાધ કે ક્રૂર અપરાધોમાં આરોપી સમજી હોય. આ સંદર્ભમાં સુપ્રિમ કોર્ટે આરોપીઓને આપવામાં આવેલા આગોતરા જામીન રદ્દ કરી દીધાં હતાં, જે ખાસ અદાલત દ્વારા અગાઉ જામીન વોરંટ અને બાદમાં બિનજામીન વોરંટ અને ભાગેડુ જાહેર કરવાની કાર્યવાહીઓ બાદ પણ જો આરોપીઓ રજૂ ન થયા હોય. અદાલતે આ કેસમાં એમ પણ સ્પષ્ટ કર્યું કે, આગોતરા જામીન એક વિશેષાધિકાર છે નિયમ નથી અને તે તેમને મળવો જોઈએ જે કાયદાનું સન્માન કરે છે.