Mysamachar.in-જામનગર:
જામનગર પોલીસે થોડા સમય અગાઉ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ વિરુદ્ધ નોંધેલી એક ફરિયાદે સમગ્ર દેશમાં ચકચાર મચાવી હતી. આ ફરિયાદ રદ્દ કરવાનો આદેશ સુપ્રિમ કોર્ટમાં થયો છે. સુપ્રિમ કોર્ટે કહ્યું તેમ, જામનગર તથા ગુજરાત પોલીસે આ પ્રકારના પ્રકરણમાં હવે ગંભીરતા દાખવવી પડશે. કારણ કે, અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય સુપ્રિમ કોર્ટના મતે ખૂબ જ મોટી બાબત છે. આ સ્વાતંત્ર્ય બરકરાર રહેવું જોઈએ.
જામનગરમાં થોડા મહિનાઓ અગાઉ મુસ્લિમ સમાજમાં સમૂહલગ્નનો એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ઈમરાન પ્રતાપગઢી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમ બાદના સમયમાં ઈમરાન પ્રતાપગઢીની હાજરી ધરાવતો એક વીડિયો વાયરલ થયો. લાખો લોકોએ આ વીડિયો જોયો. આ વીડિયો સાથે ઓડિયો રૂપે એક કવિતા પણ જોડાયેલી હતી. આ વીડિયોને આધાર બનાવી જામનગરના કિશન નંદા દ્વારા એક FIR નોંધાવવામાં આવી હતી. જેમાં વીડિયો સાથે જોડાયેલી કવિતાના શબ્દોને ‘વિવાદી’ લેખાવી, આ સમગ્ર વીડિયોને પણ વિવાદી લેખાવવામાં આવ્યો હતો. આ ફરિયાદના આધારે જામનગર પોલીસ દ્વારા આ FIR ગંભીર કલમો સાથે દાખલ કરવામાં આવતાં, જામનગર અને ગુજરાત સહિત દેશભરમાં આ FIR ને કારણે સનસનાટી મચી ગઈ હતી.
ત્યારબાદ, ઈમરાન પ્રતાપગઢી દ્વારા આ ફરિયાદ રદ્દ કરાવવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરેલી. હાઇકોર્ટે આ અરજી ફગાવી દેતાં આ મામલો સુપ્રિમ કોર્ટ પહોંચ્યો. હાઈકોર્ટે 17મી જાન્યુઆરીએ અરજી ફગાવી હતી. બાદમાં આ મામલાની સુનાવણી સુપ્રિમ કોર્ટમાં 3 માર્ચ સુધી ચાલી. 3 માર્ચના રોજ સુપ્રિમ કોર્ટે ઈમરાન પ્રતાપગઢીની આ અરજી પરનો ચુકાદો અનામત જાહેર કર્યો. જેની અંતિમ સુનાવણીમાં સુપ્રિમ કોર્ટમાં ઈમરાન પ્રતાપગઢીને મોટી રાહત મળી. તેમની વિરુદ્ધની આ FIR આખરે રદ્દ થઈ ગઈ.
આ મામલામાં ઈમરાન પ્રતાપગઢીને રાહત આપતાં સુપ્રિમ કોર્ટે કહ્યું ‘ કવિતા, કલા અને વ્યંગ જીવનને સમૃધ્ધ કરે છે. સ્વતંત્રતાની અભિવ્યક્તિ સમાજ માટે જરૂરી છે. પોલીસ અભિવ્યક્તિની આઝાદી સુનિશ્ચત કરે.’
સુપ્રિમ કોર્ટે કહ્યું ‘ જો પોલીસ મૂળભુત અધિકારોની રક્ષા કરવામાં નિષ્ફળ રહે તો અદાલતોનું કર્તવ્ય છે કે, તે દરમિયાનગીરી કરે અને અધિકારોની રક્ષા કરે. વિચારોનું સન્માન કરવું જોઈએ અને તેનું રક્ષણ કરવું જોઈએ. વિચારો અને અભિપ્રાયોની આઝાદીની અભિવ્યક્તિ મહત્વપૂર્ણ છે.’
જસ્ટિસ અભય એસ. ઓકના વડપણ હેઠળની ખંડપીઠે ઈમરાન પ્રતાપગઢી વિરુદ્ધ ગુજરાતના જામનગરમાં દાખલ થયેલી FIR રદ્દ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ઈમરાન પ્રતાપગઢી વિરુદ્ધ કથિત રીતે ઉતેજક ગીત સાથેનો એક એડીટેડ વીડિયો પોસ્ટ કરવા બદલ આ FIR દાખલ થઈ હતી. કોંગ્રેસ નેતા ઈમરાન પ્રતાપગઢીએ દાવો કર્યો હતો કે, તેમની વિરુદ્ધ દુર્ભાવપૂર્ણ ઈરાદા સાથે પોલીસે FIR દાખલ કરી હતી. FIR માં તેમના પર આરોપ હતો કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઈમરાન પ્રતાપગઢી દ્વારા અપલોડ કરવામાં આવેલી 46 સેકન્ડની વીડિયો ક્લિપમાં તેમના પર ફૂલોની વર્ષા થઈ રહી છે અને બેકગ્રાઉન્ડમાં એક ગીત વાગી રહ્યું છે. આરોપ હતો કે, ગીતના શબ્દો ઉતેજક, રાષ્ટ્રીય એકતા માટે હાનિકારક અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારા છે.
-સુપ્રિમ કોર્ટે કહ્યું કે….
સુપ્રિમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, ભલે ઘણાં બધાં લોકો અન્યના વિચારોને નાપસંદ કરતા હોય, પરંતુ વિચારો વ્યક્ત કરવાના નાગરિકના અધિકારનું સન્માન અને રક્ષણ કરવું જોઈએ. કવિતા, નાટક, ફિલ્મ, વ્યંગ અને કલા સહિતનું સાહિત્ય લોકોની જિંદગીઓને વધુ સાર્થક બનાવે છે…(file image)