Mysamachar.in-જામનગર:
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની ભયાનકતાની ‘જવાળાઓ’ આજની તારીખે પણ સેંકડો લોકોને દઝાડી રહી છે, કોઈ પણ તંત્રએ આટલી ભયંકર દુર્ઘટના બાદ પણ કોઈ જ બોધપાઠ લીધો નથી. આજે પણ ફાયર એનઓસી અને મિલકતોના બીયુ પ્રમાણપત્રો અંગે સર્વત્ર લાલિયાવાડીઓ ચાલી રહી છે. એ જ રીતે, ફટાકડા સંગ્રહ અને વેચાણની બાબતમાં પણ આજની તારીખે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં લાલિયાવાડીઓ ચાલી રહી હોય, આ તકે પ્રશ્ન એ થઈ શકે કે, ધારો કે કોઈ મોટી ફટાકડાબજારમાં હજારો લોકો ફટાકડા ખરીદી રહ્યા હોય ત્યારે જ, ધારો કે ભયાનક આગ ફાટી નીકળે અને ભયંકર તડાફડી સર્જાઈ જાય પછી છેલ્લે તપાસમાં એમ બહાર આવે કે, આ ફટાકડાબજાર પાસે તો ફટાકડા સંગ્રહ અને વેચાણનો ‘પરવાનો’ જ ન હતો ! આવી સ્થિતિઓ સર્જાઈ તો, અંતે જવાબદારીઓ કોની ફિક્સ થઈ શકે ?!

જામનગર નજીકના વિભાપરમાં આવી લાલિયાવાડી ચાલી રહી હોવાનું અત્યંત આધારભૂત સૂત્ર જણાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વિભાપરમાં લેઉવા પટેલ સેવા સમાજની વિશાળ જગ્યામાં કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટ અને સરસ્વતી શિશુમંદિર દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છની સૌથી મોટી ફટાકડાબજાર ગોઠવવામાં આવી છે. આ સ્થળે આશરે રૂ. 4-5 કરોડના ફટાકડાનો વિશાળ જથ્થો વેચાણ માટે ડિસ્પ્લેમાં ગોઠવાયો છે. ગૌસેવા અને શિક્ષણના લાભાર્થે, આ પ્રકારના વિશાળ આયોજન થતાં હોય અને ગૌશાળા તથા શાળાના લાભાર્થે આ વિશાળ બિઝનેસનો રૂ. 25 લાખ આસપાસનો નફો વપરાય તેની સામે કોઈને પણ વાંધો ન હોય શકે, સેવાકીય પ્રવૃતિઓ ખૂબ સારી બાબત કહેવાય પરંતુ આગ અકસ્માત તો ગમે ત્યાં થઈ શકે. તડાફડી ગમે ત્યાં બોલી શકે. અને, આવડી મોટી ફટાકડાબજારમાં તો ખરીદી કરનારાઓની સંખ્યા પણ મોટી હોય, આવા સમયે ધારો કે ભયાનક આગ ફાટી નીકળે તો જવાબદારીઓ કોની ?! એ પ્રશ્ન અહીં એટલાં માટે પૂછી શકાય કેમ કે, આ ફટાકડાબજાર ઘણાં દિવસોથી ‘પરવાના’ વિના ધમધમી રહી છે.

અત્યંત આધારભૂત સૂત્ર અનુસાર, આજે સોમવારે બપોરે બાર વાગ્યે, આ લખાઈ રહ્યું છે, ત્યાં સુધી આ ફટાકડાબજાર પરવાનો મેળવી શકી નથી ! અને, ઘણાં દિવસોથી આ વિશાળ ફટાકડાબજારની જાહેરાતો અને વેચાણ ધૂમ મચાવી રહ્યા છે. ગામમાં પરચૂરણ સ્ટોલ બંધ કરાવીને પોતાની પીઠ ખુદના હાથે થાબડતાં તંત્રો, આટલી મોટી ફટાકડાબજારોની લાજ શા માટે કાઢતાં હોય છે ?! ધારો કે, કોઈ દુર્ઘટના સર્જાઈ ગઈ તો ?!
Mysamachar.in દ્વારા આજે સવારે ગ્રામ્ય SDM કચેરીનો સંપર્ક કરવામાં આવ્યો હતો, આ અધિકારી રજા પર જતાં રહ્યા છે. તેમના હોદ્દાનો ચાર્જ શહેર SDM પાસે છે, આ અધિકારી જણાવે છે કે, તેઓ અમદાવાદ છે. શહેર મામલતદાર કહે છે, અમારી પાસેથી આવી કોઈ મોટી ફટાકડાબજારે પરવાનો લીધો નથી. ગ્રામ્ય મામલતદાર કહે છે: આ બધી વિગતો ગ્રામ્ય SDM કચેરી પાસે હોય છે. ગ્રામ્ય મામલતદાર કચેરીએ વિભાપર કે દરેડની મોટી ફટાકડાબજારોની ચેકિંગ માટે મુલાકાત લીધી નથી.

ટૂંકમાં, તંત્રોની વિગતો અનુસાર આજની તારીખે ઘણાં ફટાકડા વેચાણ કેન્દ્રો એવા છે જેમની પાસે, આજની તારીખ સુધી ફટાકડા સંગ્રહ કે વેચાણનો પરવાનો નથી. ધારો કે, આ સ્થિતિઓમાં કયાંય પણ દુર્ઘટનાઓ સર્જાઈ ગઈ તો ?! શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં દરેક તહેવારોમાં તંત્રોની લાલિયાવાડીઓ વર્ષોથી શા માટે ચાલી રહી છે ?! ઉચ્ચ અધિકારીઓ આવી બધી બાબતોની સમીક્ષા કે મોનિટરીંગ નહીં કરતાં હોય ?! એવો પ્રશ્ન પણ લોકોમાં પૂછાઈ રહ્યો છે.
