Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લામાં ગત્ વર્ષે નોંધપાત્ર પ્રમાણમાં વરસાદ પડ્યો હતો, સર્વત્ર નદીનાળા છલકાઈ ગયા હતાં, જળાશયો એક કરતાં વધુ વખત ઓવરફ્લો થઈ ગયા હતાં. જેને કારણે ભૂગર્ભજળનું ચિત્ર સારૂં રહ્યું અને તેથી પિયતની બાબતમાં ખેડૂતોની ચિંતાઓ પણ ટળી. આ પ્રકારની સકારાત્મક સ્થિતિઓને કારણે આ વર્ષે ઉનાળુ વાવેતરની સ્થિતિઓ સારી છે. આગલા વર્ષની સરખામણીએ આ વર્ષે વાવેતરમાં વધારો જોવા મળે છે.
એક નોંધપાત્ર બાબત એ રહી કે, જામનગર જિલ્લામાં સૌથી વધુ વાવેતર જામજોધપુર તાલુકામાં નોંધાયુ અને સૌથી ઓછું વાવેતર લાલપુર તાલુકામાં નોંધાયુ છે. ભૌગોલિક રીતે આ બંને તાલુકા એકમેક સાથે જોડાયેલા છે.
જિલ્લાના આંકડા અનુસાર, ગત્ વર્ષે જિલ્લામાં 13,214 હેક્ટર જમીનમાં ઉનાળુ વાવેતર થયું હતું. તેની સામે આ વર્ષે જિલ્લાનું કુલ વાવેતર 498 હેક્ટર વધી કુલ 13,712 રહ્યું છે. આ વર્ષે બાજરી, અડદ, મગ અને શાકભાજીના વાવેતર વિસ્તારમાં વધારો થયો છે. જ્યારે મગફળી અને તલનું વાવેતર આગલા વર્ષની સરખામણીએ ઓછું છે. આ બંને જણસના ભાવો ઉંચા મળતા હોય છે આમ છતાં વાવેતર ઘટાડો દર્શાવે છે.
આ વર્ષે બાજરીના વાવેતરમાં 42, મગમાં 365, અડદના વાવેતરમાં 107 હેક્ટર અને શાકભાજીના વાવેતરમાં 182 હેક્ટરનો વધારો નોંધાયો છે. શાકભાજી સસ્તા થઈ શકે છે. ગત્ વખતની તુલનાએ આ વર્ષે મગફળીનો વાવેતર વિસ્તાર 211 હેક્ટર અને તલનો વાવેતર વિસ્તાર 220 હેક્ટર ઓછો રહ્યો છે. ગુવાર ગમના વાવેતરમાં પણ ઘટાડો છે જે 62 હેક્ટરનો ઘટાડો સૂચવે છે.
જામજોધપુર તાલુકામાં જિલ્લામાં સૌથી વધુ 3,824 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. લાલપુર તાલુકામાંસૌથી ઓછું 1,390 હેક્ટર જમીનમાં વાવેતર થયું. આ ઉપરાંત ધ્રોલમાં 1,510 હેક્ટર, જામનગર તાલુકામાં 3,408 હેક્ટર, જોડિયા તાલુકામાં 1,627 હેક્ટર વિસ્તારમાં તથા કાલાવડ તાલુકામાં સારો વરસાદ છતાં કુલ વાવેતર વિસ્તાર 1,953 હેક્ટર દર્શાવે છે.
જામનગર જિલ્લામાં ગત્ વર્ષે જામજોધપુર અને જોડીયા તાલુકામાં તરબૂચનું વાવેતર 38 અને ચોળીનું વાવેતર 60 હેકટરમાં હતું. આ વર્ષે જિલ્લાના જામજોધપુર, લાલપુર અને જોડીયામાં તરબૂચનું વાવેતર 55 હેક્ટર જમીન પર, ચોળીનું વાવેતર 330 હેક્ટરમાં અને ટેટીનું વાવેતર 18 હેક્ટર જમીન પર થયું છે.
