Mysamachar.in-જામનગર
જામનગરમાં મેડિકલ સ્ટોરના સંચાલકે પોતાના ઘરે ગળેફાસો ખાઇ આપઘાત કરી લેતા પરિવાર પર આભ તૂટ્યાની સ્થિતિનું નિર્માણ થયું છે, આપઘાત કરતા પહેલાં મેડીકલ સ્ટોરના સંચાલકે સુસાઈડ નોટ પણ લખી હતી જેમાં પોતાના પરિવારને સંબોધીને પોતાની જમીનને લઇને ચાલી રહેલ વિવાદનો ઉલ્લેખ સાથે બે લોકોના ત્રાસથી આપઘાત કરી લીધાનું લખવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે સીટી સી.ડિવિઝન પોલીસે દોડી જઈને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી સુસાઇડ નોટ કબ્જે કરી વધુ તપાસ આરંભી છે.
વધુમાં મૃતક હિતેશભાઈએ અંતિમ ચિઠ્ઠીમાં પોતાના દીકરાને સંબોધીને લખ્યું છે કે ગમે તે થાય તું ડોક્ટર બનજે આ નોટમાં કનુભાઈ અને રમણભાઈના મોબાઈલ નંબર સાથેના ઉલ્લેખ કરી તેના દ્વારા હેરાન કરતા હોવાનો અને પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની વાતનો ઉલ્લેખ કરાયો છે. અને એ સુસાઇડનોટમાં જમીન લેવાની ધમકી આપી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે મૃતક હિતેશભાઈએ પોતાના મોટા પુત્ર હર્ષને ડોક્ટર બનવાની ઈચ્છા સાથે નાના ભાઈ હિતનું ધ્યાન રાખવા કહી પત્ની નયનાને સંબોધન કરીને પોતાની LIC ની પોલિસીઓ અને લોન ભરવાની પણ ભલામણ કરી છે.
જામનગરમાં મેડિકલ સ્ટોરના સંચાલક હિતેશભાઈ પરમારે પોતાના ઘરે 9ઓક્ટોબર,2020ના રાત્રે 9 વાગ્યા આસપાસ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ઘટના બનતા પતિ-પત્ની અને બે બાળકો મળી ચાર સભ્યોનો માળો વિખાયો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ જ્યારે પહોચી તો પોલીસને બે પાનાની સુસાઇડ નોટ પણ મળી છે. ત્યારે સીટી સી.ડિવિઝન પોલીસે હાલ આ સુસાઇડ નોટ કબ્જે કરી મૃતદેહને પી.એમ.માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
-પરિવાર અને સતવારા સમાજની પોલીસને સંબોધીને થયેલ રજૂઆત
સતવારા સમાજના જામનગર તાલુકાના જુના નાગના ગામના હિતેશભાઈ ચંદ્રકાન્ત પરમારને જામનગર ભૂમાફિયા બિલ્ડર કનુભાઈ, તથા રણમલભાઈ બન્નેએ મળીને હિતેશ ચંદ્રકાન્ત પરમારને જામનગર તાલુકાના જુનાનાગના ગામે આવેલ ખેતીની જમીનમાં પેશકદમી કરવા અને જમીન ખાલી કરી ત્યાં જતી રહેવા અવાર નવાર ધમકીઓ આપેલી જેથી સુસાઇટ કરેલી જે સુસાઇટ નોટમાં લખેલી તેમાં પણ બન્ને ભૂમાફિયાઓના નામ છે. આ બન્ને ભૂમાફિયાઓ કનુભાઈ, રણમલભાઈ અવાર નવાર તેમના મોબાઈલમાંથી અવાર નવાર જમીન છોડી ને ચાલી જવાની ધમકી આપેલી અને ગઈ તા. 9-10-2020 ના રોજ રાત્રીના દશ વાગ્યે હિતેશભાઈ ચંદ્રકાન્ત પરમારે સુસાઇડ કરી લીધું અને તેમનું મૃત્યું થયેલું તેમના કબજામાંથી સુસાઇડ નોટ મળી આવેલ છે જે સુસાઈટ નોટમાં પણ આ બન્ને ભૂમાફિયાઓના નામ છે. તેમજ અવાર નવાર ધમકી આપેલી છે,
સુસાઈટ નોટ લખેલી તેમજ બન્ને નંબર ઉપરથી એવું ફલીત થાય છે. કે આ બન્ને એ વારંવાર માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ છે. જેવું સુસાઈડ નોટ ઉપરથી જાણવા મળેલ છે. તેમજ આવી રીતે જામનગર શહેરની આજુબાજુમાં આવેલી સતવારા સમાજના અન્ય લોકોની જમીનમાં પણ આવી પેશકદમી કરેલ હોય ઉપરોકત વિષયે સુસાઈડ કરેલ હિતેષ ચંદ્રકાન્ત પરમાર કરેલ આપઘાતથી થયેલ મૃત્યુ અગેની યોગ્ય તપાસ કરી તાત્કાલિક વિના વિલંબે પગલા લેવા અરજ છે.