Mysamachar.in-દાહોદ
આજે શુક્રવાર સવાર સવારમાં દુઃખદ સમાચાર દાહોદથી સામે આવી રહ્યા છે, જ્યાં એક જ પરિવારના 5 સભ્યોએ સામુહિક આત્મહત્યાનું પગલું ભરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે, દાહોદના ગોધરા રોડ ઉપર આવેલ સુજાઈબાગમાં વસવાટ કરતા વ્હોરા સમાજના એક પરિવારમાં સામુહિક આત્મહત્યાથી ચકચાર જાગી છે, સામુહિક આપઘાતમાં 3 બાળકો સહિત દંપતી આત્મહત્યા કરી છે, જેમાં 7 વર્ષિય, 15 વર્ષિય, 17 વર્ષિય બાળકી નો સમાવેશ થાય છે, પરિવારે ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે સામે આવી શક્યું નથી. પોલીસ ઘટના સ્થળે પંહોચી અને તપાસ આરંભી છે.
પ્રાથમિક માહિતી સામે આવી રહી છે તે મુજબ સેફતભાઈ દુધિયાવાલા (ઉંમર 42 વર્ષ) નો પરિવાર દાહોદના સુજાઈબાગ વિસ્તારના બેતુલ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. તેમના પરિવારમાં પત્ની મહેઝબીન દુધિયાવાલા (ઉંમર 35 વર્ષ), મોટી પુત્રી અરવા દુધિયાવાલા (ઉંમર 17 વર્ષ), બીજી પુત્રી ઝેનલ દુધિયાવાલા (ઉંમર 16 વર્ષ) અને નાની દીકરી હુસૈના દુધિયાવાલા (ઉંમર 7 વર્ષ) હતા. સૈફતભાઈ ડિસ્પોઝેબલ ડીશનો છૂટક વેપાર કરતા હતા. આજે વહેલી સવારે સૈફતભાઈના પિતાએ તેમના મોબાઈલ પર ફોન કર્યો હતો. વારંવાર ફોન કરવા છતા તેઓએ ફોન ઉપાડ્યો ન હતો. તેથી પિતાએ નજીકમાં રહેતી દીકરીને જાણ કરી હતી. જેથી સૈફતભાઈની બહેન સવારે 8 વાગ્યાની આસપાસ ભાઈ સૈફતના ઘરે આવ્યા હતા. તેઓએ વારંવાર દરવાજો ખખડાવ્યો હતો. છતાં કોઈએ દરવાજો ખોલ્યો ન હતો. જેથી આસપાસના રહીશો પણ ભેગા થઈ ગયા હતા. આવામાં અંદરથી કોઈ જવાબ ન મળતા દરવાજો તોડવામાં આવ્યો હતો. અંદર જઈને જોયું તો તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. પરિવારના પાંચેય સદસ્યોના મૃતદેહો જમીન પર પડ્યા હતા. મૃતદેહો નજીક જમીન પર મીઠાઈનું ખાલી બોક્સ પણ પડ્યું હતું. જેથી પોલીસને શંકા છે કે, પરિવારે મીઠાઈમાં ઝેર ભેળવીને મોત વ્હાલુ કર્યું હતું છતાં પણ વિશેષ તપાસ ચાલી રહી છે.