Mysamachar.in-ગુજરાત:
છેલ્લા કેટલાક સમયથી યુવાઓમાં તત્કાલ મોત (સડન ડેથ)નો રેસીયો ખુબ વધ્યો છે તેની પાછળ કોવીડ વેક્સીનને પણ કેટલાક લોકો જવાબદાર ઠેરવી રહ્યા હતા પણ હવે આ વાતને કેન્દ્ર સરકારે પણ ગંભીરતાથી લીધી હોય તેમ લાગે છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે યુવાનોના અચાનક મૃત્યુનું કારણ કોવિડ વેક્સિન નથી. નડ્ડાએ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના અહેવાલને ટાંક્યો છે. નડ્ડાએ કહ્યું, આ રિસર્ચ દર્શાવે છે કે વેક્સિનેશનથી જોખમ વધ્યું નથી પરંતુ જોખમ ઘટ્યું છે.
ICMRએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી સાથે મળીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં 18 થી 45 વર્ષની વચ્ચેના લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેઓ સંપૂર્ણ સ્વસ્થ હતા. તેમને કોઈ બીમારી નહોતી. 1 ઓક્ટોબર, 2021 થી 31 માર્ચ, 2023 ની વચ્ચે તેમનું અચાનક મોત થયું.
19 રાજ્યોની 47 હોસ્પિટલોમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા ICMRનો આ રિપોર્ટ 19 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 47 હોસ્પિટલોમાંથી સેમ્પલ લઈને તૈયાર કરવામાં આવ્યો છે. રિસર્ચ દરમિયાન, અચાનક મોતના 729 કેસોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. 2916 કેસ એવા હતા જેને બચાવી લેવામાં આવ્યા હતા. રિસર્ચ દર્શાવે છે કે કોવિડ-19 વેક્સિનના ઓછામાં ઓછા એક કે બે ડોઝ લેવાથી કોઈ પણ કારણ વગર અચાનક મૃત્યુની શક્યતાઓ નોંધપાત્ર રીતે ઘટી જાય છે.
રિસર્ચમાં એવા કોઈ ફેક્ટર્સની ઓળખ થઈ નથી જે અચાનક મૃત્યુના જોખમને વધારે છે. જેવા કે, મૃતકનું કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ થવું, પરિવારમાં કોઈનું આકસ્મિક મૃત્યુ, મૃત્યુના 48 કલાક પહેલાં વધુ પડતા દારૂનું સેવન, ડ્રગનો ઉપયોગ અને મૃત્યુ પહેલાંના 48 કલાકમાં વધુ પડતી શારીરિક પ્રવૃત્તિ (જીમમાં કસરત સહિત) સામેલ છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, ICMR અભ્યાસથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે કોવિડ-19 રસીકરણ અને યુવાન વયસ્કોના અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ નથી. તેના બદલે, કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ થવાનો ઇતિહાસ, પરિવારમાં આવા આકસ્મિક મૃત્યુનો ઇતિહાસ અને જીવનશૈલીની અમુક વર્તણૂકો જેવાં પરિબળો આવા મૃત્યુની સંભાવનાને વધારે છે.