Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
યાત્રાધામ બેટદ્વારકા અને ઓખાનગરીને જોડતાં સુદર્શન સેતુ નામના સિગ્નેચર બ્રિજમાં, લોકાર્પણના માત્ર 5 જ મહિનામાં, ગુણવત્તા વિનાના કામની સાબિતી એવા લોખંડના સળિયા દેખાઈ ગયા- એ બાબત એ વાતનો પુરાવો છે કે, કોન્ટ્રાક્ટર યોગ્ય રીતે પસંદ કરવામાં આવ્યા ન હતાં અને સ્થાનિક અધિકારીઓએ કામની ગુણવત્તા પર નજર રાખી ન હતી અથવા કોઈ કારણસર આંખો બંધ રાખી હતી. આબરૂ લૂંટાઈ ગયા બાદ હવે, તંત્રએ આ બ્રિજના ગાબડાંને થીંગડુ લગાવ્યું છે.
યાત્રાધામ બેટ દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજ બનશે, એવું વર્ષો સુધી ગાજતું રહ્યું, પછી વર્ષો સુધી બ્રિજ બન્યો. તામઝામ સાથે ભવ્ય લોકાર્પણ થયું. યોગાનુયોગ આ લોકાર્પણ લોકસભા ચૂંટણીઓના પ્રચાર સમયે થયું. ટેકનોલોજિ અને વિઝનની વાહવાહી થઈ. લોકોની કેટલી ચિંતાઓ કરવામાં આવી રહી છે, તે વિસ્તારથી સમજાવવામાં આવ્યું. પ્રવાસનને આ બ્રિજથી કેટલો લાભ થશે, તેના મોટાં આંકડાઓ જાહેર થયા. પરંતુ આ બધાંની વચ્ચે, કયાંય પણ, કોઈના પણ દ્વારા બ્રિજના નિર્માણની કવોલિટી વિષે એક પણ શબ્દ બોલવામાં આવ્યો નહીં. અને, બાદમાં બ્રિજની મજબૂતી અદભુત છે- એવું દર્શાવવા અહીં ટ્રક દોડાવવામાં આવ્યા અને આ ટેસ્ટિંગનો પ્રચાર કરવામાં આવ્યો. પરંતુ લોકાર્પણના 5 જ મહિનામાં પ્રચારના બધાં જ ફુગ્ગા ફૂટી ગયા. સૌની કળા જાહેર થઈ ગઈ. બ્રિજના રોડ પર ગાબડું પડ્યું અને અંદરનું લોખંડ બહાર ડોકાયું. સૌની અણઆવડત અથવા ગુનાહિત બેદરકારીઓ અથવા કથિત ભ્રષ્ટાચાર- લોકો સમક્ષ છતા થઈ ગયા.
અત્રે એક નોંધનીય બાબત છે: સુદર્શન સેતુના લોકાર્પણ અગાઉ, નિર્માણ સમયે, સત્તાવાળાઓ સમક્ષ એક ચોંકાવનારી રજૂઆત લેખિતમાં થયેલી. જેને સૌ જવાબદારોએ જાણીજોઈ નજરઅંદાજ કરેલી. જૂન-2023માં જામનગરની સંસ્થા લોકવિચાર મંચના પ્રમુખ સહદેવ મકવાણા અને મંત્રી કિશોર મજીઠીયાએ ખુદ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત મોકલી હતી.
આ રજૂઆતમાં સ્પષ્ટ રીતે લખવામાં આવેલું કે, બિહારના ભાગલપુર જિલ્લાના અગુવાની અને સુલતાનગંજને જોડતો કેબલ બ્રિજ બે વખત તૂટી ગયો છે. આ બ્રિજ રૂ. 1,710 કરોડના ખર્ચથી બનાવવામાં આવ્યો. આ કંપનીને ગુજરાતના યાત્રાધામ બેટ દ્વારકા ખાતે સિગ્નેચર કેબલ બ્રિજ બનાવવા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
આ રજૂઆતમાં વધુમાં જણાવાયેલું કે, આ કોન્ટ્રાક્ટર દ્વારા સિગ્નેચર બ્રિજ નિર્માણમાં જે માલસામાન ઉપયોગમાં લેવામાં આવે છે, તે ટેન્ડર મુજબની ગુણવત્તા ધરાવે છે કે કેમ ? અને, આ કોન્ટ્રાક્ટરની કામ કરવાની યોગ્યતા અથવા ક્ષમતા છે કે કેમ તેની પણ તપાસ થવી જોઈએ. આ કંપની દ્વારા સિગ્નેચર બ્રિજમાં અત્યાર સુધીમાં જે કામ થયું છે તે કામ લોકહિતની તથા સુરક્ષાની દ્રષ્ટિએ ચકાસવું જોઈએ. અત્યાર સુધીના કામની સમીક્ષા બાદ જ આગળનું કામ કરવાની પરવાનગી આપવી જોઈએ.
આ રજૂઆતમાં અન્ય ઘણાં મુદ્દાઓનો પણ સમાવેશ કરવામાં આવેલો પરંતુ ગાંધીનગરથી માંડીને દ્વારકા સુધી સૌ જવાબદારોએ આંખો, કાન અને મોં બંધ રાખ્યા. કોન્ટ્રાક્ટર અથવા કામ પર નજર ન રાખી. અંતે, લોકાર્પણના માત્ર પાંચ જ મહિનામાં સૌની અસલિયત લોખંડના સળિયાના રૂપમાં રોડમાંથી બહાર આવી ગઈ. સૌ જવાબદારો મૌન છે અથવા સંતાઈ ગયા છે અને સૌ પર માછલાં ધોવાઈ રહ્યા છે.
અત્રે નોંધનીય છે કે, આ પુલની મજબૂતી અંગે જાહેરમાં કોઈ જ જવાબદાર કશું જ બોલ્યું નથી અને આ બ્રિજ દરિયામાં છે જ્યાં સુરક્ષાનો મુદ્દો મહત્વપૂર્ણ છે. લાખો લોકોના મનમાં દહેશત એ છે કે, મોરબી જેવી દુર્ઘટના અહીં સુદર્શન સેતુ પર ધારો કે સર્જાઈ જાય, તો ??!!
-રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગના કાર્યપાલક ઈજનેરે કહેલું…
લોકવિચાર મંચની રજૂઆત બાદ રાજકોટ ખાતેના કાર્યપાલક ઈજનેરે ડાહી વાત કરતાં કહેલું ‘ કામ સ્પેસિફિકેશન મુજબ થાય છે ‘.
પરંતુ અહીં મુદ્દો એ છે કે, સુદર્શન સેતુ પર જે ગાબડું પડ્યું છે તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, રોડની સપાટી અને રોડની અંદરના લોખંડની વચ્ચે, સિમેન્ટ કોંક્રીટનું કવરિંગ યોગ્ય સ્પેસિફિકેશન ધરાવતું નથી ! કાર્યપાલક ઈજનેરે હવે ખુલાસો કરવો જોઈએ કે, અહીં જે કામ થયું છે તે ક્યા સ્પેસિફિકેશન મુજબ થયું ? આ લોખંડનું કવરિંગ કોણે ચેક કર્યું ? ક્યા નિયમ અંતર્ગત આ કવરિંગ મંજૂર થયું ? અને, આટલી બેદરકારીઓ છતાં, કોણે અને શા માટે, આ કામનું બિલ મંજૂર કરી, કોન્ટ્રાક્ટરને નાણાંનું ચૂકવણું કર્યું ? આપો જવાબ, લેખિતમાં.