Mysamchar.in-દેવભૂમિ દ્વારકા:
યાત્રાધામ બેટ દ્વારકા ખાતે કરોડો રૂપિયાના ખર્ચે બનેલો સુદર્શન સેતુ માત્ર પાંચ જ મહિનામાં ડેમેજ થયો છે. જેને કારણે લોકોમાં ભારે અચરજ છે. કહેનારાઓ એમ કહે છે, વરસાદને કારણે રોડમાં ગાબડું પડ્યું. આવો બચાવ કરનારાઓએ એ યાદ રાખવું જોઈએ કે, રોડ બનાવતી વખતે આ સેતુ નિર્માણ કરનારાઓને એ ખ્યાલ હોય જ છે કે, આ રોડ પર વરસાદ વરસવાનો જ છે. અને, મહત્ત્વનો મુદ્દો એ છે કે, રોડની ઉપલી સપાટી અને લોખંડના સળિયા વચ્ચે સાવ સામાન્ય અંતર છે. થીકનેસવાળું કવરિંગ નથી, તે ગાબડાંમાં કલીયર દેખાઈ રહ્યું છે. છતાં, આ મુદ્દે કંપની સહિત સૌ મૌન છે. કંપની ખુદ એક તરફ એમ સ્વીકારે છે કે, બ્રિજનો રોડ ડેમેજ થયો છે. અને, બેશરમ રીતે કંપની એમ કહે છે: આ નાની વાત છે.
બ્રિજનું સમારકામ કે મેન્ટેનન્સ કરી દેવામાં આવ્યું છે. એ મહત્ત્વની બાબત નથી. મુદ્દો એ છે કે, કરોડોને ખર્ચે થયેલું કામ પાંચ જ મહિનામાં ડેમેજ થાય કેમ ? તમામ જવાબદારોને કતારમાં ઉભા રાખીને પૂછવું જોઈએ. લોકાર્પણ સમયે અને સેતુની ટેકનોલોજિની વાહવાહી જેમના દ્વારા થયેલી તેમણે ડેમેજ અંગે કશું કહ્યું નથી ! તેથી પણ લોકોને અચરજ છે.
દેવભૂમિ દ્વારકા કલેક્ટર કહે છે: આ કામ ગુજરાત સરકાર હસ્તકનું નથી. ભારત સરકારની આ માટેની કચેરી વડોદરામાં આવેલી છે. આ કચેરીને આ બ્રિજ અંગે જાણ કરવામાં આવી છે. આ અંગેની સઘળી કામગીરીઓ અને કાર્યવાહીઓ વડોદરા કચેરીએ કરવાની હોય છે.
બીજી તરફ, બ્રિજના રોડ પર ડેમેજ છે એવું સ્વીકાર કરતી કંપની એ નથી જણાવતી કે, આ સેતુનું લોકાર્પણ કરવામાં આવ્યું એ અગાઉ આ સેતુનું નિયમાનુસારનું થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન કોણે કર્યું હતું ? આ ચેકિંગ કરનાર જવાબદાર એજન્સી અને જવાબદાર અધિકારીનું નામ છૂપાવવામાં આવી રહ્યું છે, જે કદાચ કયારેય જાહેર નહીં થાય અને આ ડેમેજની આખી વાત વિસારે પાડી દેવામાં આવશે, એવું હાલ દેખાઈ રહ્યું છે. જો કે, એવો પણ ગણગણાટ સાંભળવા મળે છે કે, આગામી સમયમાં આ ડેમેજ મુદ્દે RTI અરજીના ચક્રો ગતિમાન થઈ શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ બ્રિજની કોન્ટ્રાક્ટર કંપની ભારત સરકાર સાથે ગાઢ ધંધાકીય સંબંધો ધરાવે છે અને દેશના ઘણાં બધાં રાજ્યોમાં કામો મેળવવામાં સફળ રહે છે.